જમ્મુકશ્મીરમાં બમ્પર ભરતી, 50 હજાર લોકોને મળશે નોકરી: રાજ્યપાલ

શ્રીનગર– જમ્મુ-કાશ્મીરના લોકોને રોજગારીની મોટી તકો મળવા જઈ રહી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે આની જાહેરાત કરી છે. મલિકે કહ્યુ કે, રાજ્ય પ્રશાસન આગામી થોડાક મહિનાઓમાં 50 હજાર પદો પર ભરતી કરશે. મલિકે કહ્યું કે, હું આ ભરતી પ્રક્રિયામાં રાજ્યના યુવાઓને સક્રિય રીતે આગળ આવવા માટે આગ્રહ કરું છું.

આ જમ્મુ-કશ્મીર અને લડાખમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતી પ્રક્રિયા હશે. મલિકે રાજ્યના લોકોને આશ્વાસન આપ્યું કે, સરકાર ક્ષેત્રની વિરાસત, ભાષા અને ઓળખને બચાવી રાખવા માટે પુરતુ ધ્યાન રાખશે. પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યપાલે સંકેત આપ્યા કે, ઈન્ટરનેટ સેવાઓ થોડા સમય માટે જ બંધ રહેશે. મલિકે કહ્યું કે, ફોન અને ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ સામાન્ય નાગરિકો કરતા વધુ આતંકીઓ અને પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવતો હતો. જેથી અમારે આ સેવાઓ સ્થગિત કરવી પડી. તમામ સેવાઓ ધીમે ધીમે ફરી શરુ કરી દેવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, કેટલાક લોકો જમ્મુ-કાશ્મીર અંગે જુઠાણુ ફેલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કાર્યવાહી દરમિયાન હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમે કોઈ પણ પ્રકારના જાન-માલનું નુકસાન થવા દીધું નથી.

મલિકે એમ પણ કહ્યું કે, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) રાજ્યના 50 ટકાથી વધુ સફરજનનું ઉત્પાદન સરકારી ખરીદી માટે 5000 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરશે. આના કારણે 7 લાખથી વધુ સફરજનનુ ઉત્પાદન કરતા ખેડૂતોને લાભ થશે.