મુુંબઈઃ બેન્કિંગ ક્ષેત્રે અનિશ્ચિતતા હોવા છતાં બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વધારો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી અવાલાંશ, યુનિસ્વોપ, ઈથેરિયમ અને એક્સઆરપીમાં ત્રણથી છ ટકાનો વધારો નોંધાયો હતો. ડોઝકોઇન, શિબા ઇનુ અને ટ્રોન ચાર ટકા સુધી ઘટ્યા હતા.
કેનેડાનાં વંડરફાઇ, કોઇનસ્ક્વેર અને કોઇનસ્માર્ટ એ ત્રણ મોટાં ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોએ ભેગાં મળીને એક મોટું નિયમનબદ્ધ એક્સચેન્જ બનવા માટેના આયોજનની જાહેરાત કરી છે. ત્રણેના કુલ યુઝર્સની સંખ્યા 16.5 લાખ હશે અને એના સંચાલન હેઠળની એસેટ્સનું મૂલ્ય 600 મિલ્યન ડોલર કરતાં વધારે હશે.
દરમિયાન, સ્વીડનની એસઈબી બેન્ક અને ફ્રાન્સની ક્રેડિટ એગ્રિકોલ બેન્કે પબ્લિક બ્લોકચેઇન પર આધારિત નવું ડિજિટલ બોન્ડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.68 ટકા (645 પોઇન્ટ) વધીને 38,982 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,337 ખૂલીને 39,265ની ઉપલી અને 38,122 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.