નવી દિલ્હીઃ શું તમે ભારતની નવી ઉડનપરી હિમા દાસની એન્ડોર્સમેન્ટ ફીઝ વિશે જાણો છો? આમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અને તેનું કારણ છે હિમા દાસનું શાનદાર પ્રદર્શન. હકીકતમાં જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં રમી રહી હતી ત્યારે 19 વર્ષની હિમા દાસ પણ તાબડતોડ ગોલ્ડ મેડલ જીતી રહી હતી. ક્રિકેટના શોરમાં તેમની સફળતાની ચર્ચા થોડી દબાઈ ગઈ.યૂરોપમાં એક મહિનામાં સતત પાંચમો ગોલ્ડ મેડલ જીતનારી હિમા દાસની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ સપ્તાહની અંદર બે ગણી થઈ ગઈ છે. હિમાનું એક્સક્લૂઝિવ રીતે પ્રતિનિધિત્વ કરનારી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસના મેનેજિંગ ડિરેક્ટરે મીડિયાને જણાવ્યું કે છેલ્લાં ત્રણ સપ્તાહમાં સતત સારુ પ્રદર્શન કરવાના કારણે હિમાની બ્રાંડ વેલ્યુ બે ગણી વધી ગઈ છે. બ્રાંડ એન્ડોર્સમેન્ટ ફીનો સીધો સંબંધ ખેલાડીના પ્રદર્શનથી હોય છે. હિમાની દુનિયાભરમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે.અસમની 19 વર્ષીય હિમા કોઈ બ્રાંડના પ્રચાર માટે વાર્ષિક 30-30 લાખ રુપિયા ફી લેતી હતી જે હવે 60 લાખ રુપિયા સુધી પહોંચી ગઈ છે. નીરવે કહ્યું કે આઈઓએસ હવે હિમા માટે વોચ બ્રાંડ, ટાયર, એનર્જી ડ્રિંક બ્રાંડ, કુકિંગ ઓઈલ અને ફૂડ જેવી કેટેગરીની બ્રાંડ માટે વાત કરી રહી છે. અત્યારે હિમાના વર્તમાન એન્ડોર્સમેન્ટમાં એડિડાસ સ્પોર્ટ્સ વેર, એસબીઆઈ, એડલવાઈઝ ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને નોર્થ-ઈસ્ટની સ્ટાર સીમેન્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.ઉદ્યોગ જગત પર નજર રાખનારા અને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનું કહેવું છે કે ભારતમાં કોઈ અન્ય ગેમના મુકાબલે ક્રિકેટના ખેલાડીઓની ફીઝ વધારે છે. જો કે અન્ય ગેમ્સના ખેલાડીઓ માટે હવે સ્થિતિ તેજીથી બદલાઈ રહી છે. હિમાનો મામલો ભારતમાં કોઈ સ્પોર્ટ્સ એથલીટની બ્રાંડ વેલ્યૂમાં સૌથી તેજ વધારાનું ઉદાહરણ છે.સેન્સેશનલ રનરના રુપમાં ઉભરેલી હિમા દાસને ધીંગ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે. તેમણે શનિવારના રોજ ચેક ગણરાજ્યની નોવ મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રીમાં મહિલાઓની 400 મીટર દોડ 52.09 સેકન્ડમાં પૂર્ણ કરીને પોતાનો પાંચમો સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારબાદ ટાબર એથલેટિક્સ મીટમાં 200 મીટરની દોડમાં પણ હિમા દાસે સ્વર્ણ પદક જીત્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા પ્રમુખ વ્યક્તિઓએ હિમા દાસને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દેશ માટે સ્વર્ણ પદક જીતનારી હિમા પર ભારતને ગર્વ છે. ભવિષ્ય માટે પણ હિમાને શુભકામનાઓ.