નવી દિલ્હીઃ કોરોના રોગચાળા દરમિયાન હોસ્પિટલ સારવારના બિલની સંખ્યામાં વધારો થયો હોવાને કારણે લોકોને આ મહત્ત્વની સુરક્ષા પહોંચતી કરવામાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી કરવેરા મામલે અનુકૂળ વ્યવહાર કરવામાં આવે એવી માગણી હેલ્થ ઈન્શ્યુરન્સ ક્ષેત્રએ કરી છે.
હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ માટે કરવેરા રાહત સહિત અનેક ભલામણો રજૂ કરીને આરોગ્ય વીમા ઉદ્યોગે સરકારને વિનંતી કરી છે કે તે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ માટેના પ્રીમિયમ ઉપર વ્યક્તિઓને 80-D કરકપાતનો લાભ તત્કાળ વધારી આપે. ઉદ્યોગે એમ પણ કહ્યું છે કે હેલ્થ પોલિસીઓને જીવન વીમા કવર સાથે જ ગણીને એના જેવી જ કરરાહત આપવી જોઈએ. જીવન વીમા પોલિસીઓ માટે પાંચ ટકા જીએસટી દર છે જ્યારે હેલ્થ વીમા પર 18 ટકા જીએસટી લાગુ કરાય છે.
