નવી દિલ્હી – હીરાઉદ્યોગના મહારથી નીરવ મોદીએ કરેલી ઠગાઈને કારણે જેને આર્થિક નુકસાન ગયું છે તે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને સરકારે બરતરફ કરી દીધા છે. બેન્કના કામકાજમાં પોતાનો અંકુશ યોગ્ય રીતે જાળવવામાં નિષ્ફળ જવા બદલ બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
આ બંનેને ગઈ 18 જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, એવું કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કે.વી. બ્રહ્માજી રાવ અને સંજીવ સરનને PNBના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પદેથી તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે કાઢી મૂકવામાં આવ્યા છે.
એવો આક્ષેપ કરાયો છે કે ઉક્ત બંને અધિકારીએ બેન્કના કામકાજમાં ભૂલ કરી હતી. બેન્કની કાર્યપદ્ધતિ વિશે ભારતીય રિઝર્વ બેન્કે આપેલી સલાહની અવગણના કરી હતી.
રિઝર્વ બેન્કે છેક 2016માં સર્ક્યૂલર ઈસ્યૂ કર્યો હતો. કેટલીક બેન્કોએ રિઝર્વ બેન્કના આદેશનો અમલ કર્યો હતો તો PNB સહિત અમુક બેન્કોએ અમલ કર્યો નહોતો.
બ્રહ્માજી રાવ આ મહિનાના અંતમાં નોકરીમાંથી નિવૃત્ત થવાના હતા જ્યારે સરન આ વર્ષના મે મહિનામાં સુપરએન્યુએટ કરાયા હતા.
નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સીએ કેટલાક બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને નકલી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ઈસ્યૂ કરાવીને પીએનબી સાથે રૂ. 14,000 કરોડની ઠગાઈ કરી હતી. પીએનબીની મુંબઈમાંની એક શાખાએ 2011ના માર્ચથી નીરવ મોદીની માલિકીની કંપનીઓના ગ્રુપને એવા લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ગેરકાયદેસર રીતે ઈસ્યૂ કર્યા હતા.
નીરવ મોદીની કંપનીઓ, એમના સગાસંબંધીઓ અને નીરવ મોદી ગ્રુપને કુલ 1,213 લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ઈસ્યૂ કરાયા હતા. એવી જ રીતે, મેહુલ ચોક્સી, એમના સગાંસંબંધીઓ તથા ગીતાંજલી ગ્રુપને 377 LoU ઈસ્યૂ કરાયા હતા.
સીબીઆઈ એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી જ દીધી છે. એમાં પંજાબ એન્ડ નેશનલ બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરો સહિત ઘણા કર્મચારીઓના નામ આપ્યા છે.