ગૂગલ ભારતી એરટેલમાં એક અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે

નવી દિલ્હીઃ US ટેક દિગ્ગજ કંપની ગૂગલ ભારતમાં પકડ મજબૂત કરવા માટે ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં 100 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે.  કંપનીએ મૂડીરોકાણની બે વર્ષ પહેલાં જાહેર કરેલી યોજનાનો આ ભાગ છે, જેમાં કંપની ઈક્વિટી સોદાઓ અને ટાઇ-અપના માધ્યમથી આવતાં પાંચ-સાત વર્ષમાં ડિજિટાઇઝેશન ફંડમાંથી ભારતમાં 10 અબજ ડોલરના મૂડીરોકાણની યોજના બનાવી છે.

ગૂગલ ઇન્ટરનેશનલ એલએલસી દેશના સૌથી મોટા બીજા ક્રમાંકના ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરમાં 70 કરોડ ડોલરમાં 1.28 ટકા હિસ્સો ખરીદશે અને આવતાં પાંચ વર્ષોમાં કંપની વાજબી કિંમતના મોબાઇલ ડિવાઇસ, 5G નેટવર્ક અને ક્લાઉડ ટેક્નોલોજીમાં 30 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.

ભારતી એરટેલના ભારત અને આફ્રિકીના વેપાર થકી આવકમાં વધેલી આવકને કારણે કંપનીના રિરેટિંગમાં સંભવિતપણે વદારો થવાની શક્યતા છે. વળી, કંપનીના એબિટડા (EBITDA)માં રૂ. 100 અબજ થવાની શક્યતા છે, જેથી કંપનીના શેરનું લક્ષ્ય રૂ. 920 રાખવામાં આવ્યું છે, એમ બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસવાલના વિશ્લેષકોનું માનવું છે.

જ્યારે અન્ય બ્રોકરેજ કંપની એમ્બિટ કેપિટલે પણ ભારતી એરટેલના શેરો માટે બાય રેટિંગ આપતાં શેરની કિંમત રૂ. 931 રાખી છે. ગૂગલની સાથે ભાગીદારીથી કંપનીની નોન-ટેલિકોમની આવકમાં વધારો થવાની શક્યતા છે. કંપની ક્લાઉડ સર્વિસ, ડેટા સેન્ટર અને ઇન્ડસ્ટ્રી 4.0ની ઇમ્લિમેન્ટેશન જેવાં કામોથી કંપની વધુ આવક પેદા કરશે, એમ કંપનીનું કહેવું છે.