નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં કડક કાયદા લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ ઈન્ડિયા એક્ટ (DIA) લાગુ કર્યો છે ત્યારે કોઈ દિગ્ગજ ટેક્નોલોજી કંપનીએ ભારતીય નિયામક એજન્સીને ધરખમ રકમની પેનલ્ટી ચૂકવી હોય એવું આ પહેલી જ વાર બન્યું છે. અમેરિકાની ગૂગલ કંપનીએ એન્ડ્રોઈડ કેસમાં કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ તેની પર લાદેલી રૂ. 1,337.76 કરોડની પેનલ્ટીની રકમ નિયામકને પૂરેપૂરી ચૂકવી દીધી છે.
ગૂગલે આ પૂરેપૂરી રકમ નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ દ્વારા એક ઓર્ડર દ્વારા આપવામાં આવેલી 30-દિવસની મહેતલની અંદર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયામાં જમા કરી દીધી છે. એન્ડ્રોઈડ માર્કેટમાં ગૂગલે તેના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂકી ભારતીય માર્કેટ રેગ્યૂલેટરે 2022ના ઓક્ટોબરમાં ગૂગલને જંગી રકમની પેનલ્ટી ફટકારી હતી.