નવી દિલ્હી- ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલે સ્વર સુવર્ણ કારોબાર કરતી કંપની એમએમટીસી-પીએએમપી સાથે જોડાણ કર્યું છે. જે હેઠળ ગૂગલ પે ઉપયોગ કરનારા લોકોને એપ્લિકેશન મારફતા સોનાની ખરીદી અને વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવા પેટીએમ, મોબિક્વિક અને ફોન પે પર આ પ્રકારની સેવા પહેલાથી જ ઉપલબ્ધ છે.
ગૂગલે તેમના એક નિવેદનમાં કહ્યું કે, દેશની એકમાત્ર એલબીએમએ માન્યતા પ્રાપ્ત સુવર્ણ રિફાઈનરી કંપની સાથે ભાગીદારી કરી છે. જેથી ગૂગલ પે નો ઉપયોગ કરનારા ગ્રાહકો 24 કેરેટ સોનાની ખરીદી કરી શકે છે.
ગૂગલ પે ઈન્ડિયાના નિયામક અંબરીશ કનઘેએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સોનાને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ કારણે જ વિશ્વમાં ભારત બીજા ક્રમનું સૌથી મોટું સોનાનું ગ્રાહક છે. ભારતીય લોકો અક્ષય તૃતીયા, ઘનતેરસ કે દિવાળીના તહેવારો પર વિશેષ સોનાની ખરીદી કરે છે. ગૂગલ પે ઉપયોગકર્તા ગમે તેટલી કિંમતનું સોનુ ખરીદી શકે છે, અને તેને એમએમટીસી-પીએએમપી સુરક્ષિત તિજોરીમાં રાખશે.
ગ્રાહક આ સોનાનું ગમે તે સમયે અને જેતે સમયે ચાલતી નવી કિંમત પર વેચી પણ શકે છે. કિંમત દરેક મિનિટે અપડેટ થશે જેને ગૂગલ પે એપ પર જોઈ શકાશે. ગૂગલ પે દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે એક દિવસ અગાઉ જ દિલ્હી હાઈકોર્ટે રિઝર્વ બેંકને સવાલ કર્યો હતો કે, ગૂગલ પે કેવી રીતે વગર મંજૂરીએ નાણાંકીય લેવડ દેવડની સુવિધા આપી રહ્યું છે. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઈન્ડિયાને નોટીસ પાઠવીને આ મામલે તેમનુ વલણ પુછ્યું છે. ત્યાર બાદ ગૂગલના એક પ્રવક્તાએ તેમના નિવેદનમાં કહ્યું કે, ગૂગલ પે તમામ કાયદાકીય જરૂરીયાતોને પૂર્ણ કરે છે.