નવી દિલ્હીઃ વર્તમાન લાઈફસ્ટાઈલમાં સ્માર્ટફોન રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અત્યારે લોકોને મોબાઈલની એટલી હદે લત લાગી છે કે લોકો મોબાઈલ વગર રહી શકતા નથી. મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમને ખ્યાલ જ નથી કે તેમને સ્માર્ટ ફોનનું એડિક્શન થઈ ગયું છે. આ સમસ્યાના સમાધાન માટે ગૂગલે એક અનોખી પદ્ધતિ રજૂ કરી છે. સ્માર્ટફોનની લત છોડાવવા માટે ગૂગલ પેપર ફોન લઈને આવ્યું છે.
ગૂગલનું માનવું છે કે આ એક પ્રકારનો પ્રયોગ છે જે લોકોને ડિજિટલ ડિટોક્સમાં મદદ કરે છે. ગૂગલે કહ્યું કે અમને આશા છે કે આ નાનો પ્રયોગ તમને ટેક્નોલોજીથી ડિજિટલ ડિટોક્સમાં મદદ કરી શકે છે અને તમે ત્યાં વધારે ફોકસ કરી શકો કે જે વસ્તુ સૌથી મહત્વપૂર્ણ છે.
ગૂગલે પોતાના એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે પેપર ફોન એક એક્સપેરિમેન્ટલ ઓપન સોર્સ એપ છે કે જેને આપ ગમે ત્યારે ટ્રાય કરી શકો છો. આ સ્માર્ટફોનની લત છોડાવવામાં આપની મદદ કરી શકે છે. આ એપ માટે કોડ Github પર ઉપ્લબ્ધ છે. ગિટહબ માઈક્રોસોફ્ટની સહાયક કંપની છે અને દુનિયાના સૌથી મોટા સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ પૈકી એક છે.
આ એપમાં તમે પોતાની જરુરિયાતની વસ્તુઓ જોડી શકો છે જેવી કે કોન્ટેક્ટ્સ અથવા મેપ્સ. આપને આમાં જે સર્વિસનો ઉપયોગ કરવો છે પેપરફોન તેની પ્રિન્ટ નિકાળે છે. પેપરફોનનો મુખ્ય ઉદ્દેશ્ય આપને ફોનથી દૂર રાખવાનો છે. આ એપ આપને વધારેમાં વધારે કામ પેપર દ્વારા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ગૂગલે આ મામલે વધારે માહિતી આપતા કહ્યું કે, ઘણા લોકોને અનુભવાય છે કે તેઓ પોતાના ફોન પર ખૂબ વધારે સમય વીતાવી રહ્યા છે અને ટેક્નોલોજી સાથે સંતુલન નથી બનાવી શકતા. ગૂગલે કહ્યું કે પેપર ફોન આપને આપની જરુરિયાત અનુસાર પર્સનલ બુકલેટ પ્રિન્ટ કરીને આપે છે જેનાથી આ ડિજિટલ દુનિયાથી દૂર રહી શકો.