નવી દિલ્હી – દેશમાં ઈ-કોમર્સ મારફત ડ્યૂટી-ફ્રી ગિફ્ટ વસ્તુઓની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પ્રતિબંધ એ વેપારીઓનાં કન્સાઈનમેન્ટ પર લાગુ નહીં થાય, જેઓ તમામ જરૂરી ડ્યૂટી ચૂકવીને વિદેશમાંથી માલ મગાવે છે.
કેન્દ્ર સરકારની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એજન્સીએ આ પ્રતિબંધો અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધોનો ઉદ્દેશ્ય માત્ર એવા કન્સાઈનમેન્ટ્સને રોકવાનો છે જેઓ પર્સનલ ગિફ્ટ વસ્તુઓ માટે આપવામાં આવેલી છૂટનો લાભ લઈને એ ચીજવસ્તુઓને બાદમાં ભારતની બજારોમાં વેચવા ઉતારે છે.
કસ્ટમ્સ એક્ટ, 1962 અને સુધારિત ટેરિફ રુલ્સ અંતર્ગત 5000 રૂપિયાની કિંમત સુધીની પર્સનલ ગિફ્ટ વસ્તુઓની આયાતને કસ્ટમ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવી છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં જોવા મળ્યું હતું કે અનેક ચાઈનીઝ ગિફ્ટ કંપનીઓ અને ક્લબ ફેક્ટરી તથા અલી એક્સપ્રેસ જેવી ઈ-રીટેલર કંપનીઓએ સરકારે આપેલી છૂટની આડમાં ડ્યૂટી-ફ્રી કસ્ટમ ક્લીયરન્સ ક્લેમ કરીને મોટા પાયે ભારતમાં ગ્રાહકોને સીધા જ માલ મોકલવાનું/વેચવાનું શરૂ કરી દીધું હતું.
કૂરિયર અને ટપાલ માર્ગે વધી રહેલા વ્યાપાર વિશે દેશમાંના વ્યાપાર સંગઠનોએ ફરિયાદ કર્યા બાદ ગયા ડિસેંબરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે રાખડી તથા જીવનરક્ષક દવાઓને બાદ કરતાં ઈ-કોમર્સ મારફત કૂરિયર અને ટપાલ મારફત ગિફ્ટ વસ્તુઓની કરાતી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
પરંત, અનેક દેશી ગિફ્ટ આયાતકારો તથા વેપારીઓએ એવી ફરિયાદ કરી હતી કે નિયમોમાં સ્પષ્ટતાના અભાવને કારણે શિપમેન્ટમાં ક્લીયન્સમાં વિલંબ થાય છે અને એમનો માલ ફસાઈ જાય છે.
સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓ પણ ડ્યૂટી-ફ્રી તથા ડ્યૂટી-પેઈડ ગિફ્ટ્સ અંગે નિર્ણય લેવામાં ભૂલ કરતા હતા.
તેથી DGFT એજન્સીએ એક સર્ક્યૂલર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે જે ગિફ્ટ આઈટમ્સ નિર્ધારિત ડ્યૂટીઓ ચૂકવીને આયાત કરાય એની પર પ્રતિબંધ લાગુ નહીં કરાય, પછી ભલે એ ઈ-કોમર્સ મારફત ભારતમાં લાવવામાં આવી હોય. એવી ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ટેરિફ કાયદા અનુસાર બેઝિક કસ્ટમ ડ્યૂટી ચૂકવવાની રહેશે, જે હાલ 35 ટકાના દરે ચાર્જ કરાય છે. સાથોસાથ, જીએસટીના રેટ શેડ્યૂલ-4ના હેડિંગ 9804 અંતર્ગત નિર્ધારિત 28 ટકાના દરે આઈજીએસટી પણ ચૂકવવાનો રહેશે. તે ઉપરાંત એની ખાતરી આપવી પડશે કે આ પ્રકારની આયાતમાં કોઈ અન્ડરવેલ્યૂએશન થયું નથી એટલે કે ડ્યૂટી વાસ્તવિક મૂલ્ય ઉપર જ ચાર્જ થયેલી હોવી જોઈએ.
રાખડી તથા જીવનરક્ષક દવાઓની ઈ-કોમર્સ મારફત અથવા કૂરિયર કે ટપાલ મારફત ડ્યૂટી-ફ્રી આયાત પરની છૂટ લાગુ રહેશે. જોકે આમાં રાખડીની સાથે ગિફ્ટને સામેલ કરવામાં આવી નથી.
ગિફ્ટના વેપારીઓનું કહેવું છે કે તેઓ એવી જ કંપનીઓ પાસેથી માલ ખરીદે છે જેઓ ભારતમાં ઈ-કોમર્સ મારફત ગ્રાહકોને જ સીધો માલ મોકલતી હતી.