નવી દિલ્હીઃ ચાલુ નાણાં વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમ્યાન 9.28 અબજ ડોલરના મૂલ્યની સોનાની આયાત કરવામાં આવી હતી. જે ગયા નાણાં વર્ષના સમાન ગાળાની તુલનાએ 47.42 ટકાનો ઘટાડો દર્શાવે છે, એમ વેપાર મંત્રાલયે આ માહિતી આપી હતી. સોનાની આયાતની અસર ચાલુ ખાતાની ખાધ (CAD) પર પડે છે. કોવિડ-19 રોગચાળાને કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. ગયા નાણાં વર્ષમાં સમાન ગાળામાં સોનાની આયાત 17.64 અબજ ડોલર રહી હતી. જોકે ઓક્ટોબરમાં સોનાની આયાત 36 ટકા વધી હતી.
એપ્રિલ-ઓક્ટોબર દરમ્યાન ચાંદીની આયાત પણ 64.65 ટકકા ઘટીને 74.2 કરોડ ડોલર રહી હતી. સોના અને ચાંદીની આયાતમાં ઘટાડો દેશના વેપાર ખાધમાં પણ ઘટાડો આવ્યો છે. આયાત અને નિકાસના અંતર વેપાર ખાધ હોય છે.
એપ્રિલ-ઓક્ટોબરમાં વેપાર ખાધ ઘટીને 32.16 અબજ ડોલર રહી છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 100.67 અબજ ડોલર હતી. ભારત સોનાના સૌથી મોટો આયાતકાર દેશ છે. મુખ્યત્વે આભૂષણ ઉદ્યોગની માગને પૂરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે. ચાલુ નાણાં વર્ષના પહેલા સાત મહિનામાં રત્ન અને આભૂષણોની નિકાસ 49.5 ટકા ઘટીને 11.61 અબજ ડોલર રહી છે.