નવી દિલ્હીઃ જેટ એરવેઝમાં ભાગીદારી ખરીદવા માટે એરલાઈનના ફાઉન્ડર નરેશ ગોયલે શુક્રવારે છેલ્લા કલાકોમાં બોલી લગાવી હતી. જોકે એ બાબત હજી જાણવા મળી નથી કે ગોયલે કોઈ કંપનીની સાથે મળીને બોલી લગાવી હતી કે પછી વ્યક્તિગત પ્રસ્તાવ દાખલ કર્યો હતો. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈને શેર વેચવા માટે એસબીઆઈના નેતૃત્વમાં બેન્કોએ શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી બોલીઓ મંગાવી હતી.
નરેશ ગોયલે 25 માર્ચે જેટના ચેરમેન પદમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું શેરહોલ્ડિંગ પણ ઘટાડ્યું હતું. તેમના મોટાભાગના શેર બેન્કોની પાસે ગીરવેે મુકવામાં આવ્યા છે. બેન્કોએ શેર ખરીદવા માટે ઈચ્છુક રોકાણકારો માટે જે શરતો રાખી હતી, તે મુજબ ગોયલ ફરીથી બોલી લગાવી શકે છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ પર 8,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. 25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલે જેટના બોર્ડમાંથી રાજીનામું આપ્યા બાદ બેન્ક એરલાઈનને 1,500 કરોડ રૂપિયા આપવા રાજી થઈ હતી. જોકે જેટને આ રકમ મળી શકી ન હતી. બેન્કોએ કહ્યું હતું કે જેટમાં હિસ્સો ખરીદવામાં તે રોકાણકારોની રુચીના આધાર પર તે ફન્ડિંગ પર વિચાર કરશે.
જેટમાં હિસ્સો ખરીદવા માટે બિડિંગની ડેડલાઈન સુધીમાં 5 એક્સપ્રેસન ઓફ ઈન્ટરસ્ટ મળ્યાં છે. તેમાં કેટલીક એરલાઈન પણ સામેલ છે. તમામ પ્રસ્તાવોની ચકાસણી કરવામાં આવી રહી છે.