શાકભાજીની દુકાને કામ કરતા કેવી રીતે બન્યા અબજપતિ?

નવી દિલ્હી: માત્ર 12 વર્ષની ઉંમરમાં પોતાની બિમાર માતા ની મદદ માટે શાકભાજીની દુકાન પર કામ કરનાર માસરુ વાસમી આજે અબજોપતિ વેપારીઓની લિસ્ટમાં શુમાર છે. એ સમયે સ્કુલમાં અભ્યાસ કરનાર વાસમી માટે આ સફર સરળ ન હતી. 15 વર્ષની ઉંમરમાં તેમણે સ્કુલ છોડીને વેપારના ક્ષેત્રમાં પગ મુક્યો. એક અંગ્રેજી સમાચાર વેબસાઈટમાં પબ્લિશ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 1970માં તેમણે એક ટ્રકથી પોતાનો વેપાર શરુ કર્યો અને થોડા વર્ષોની અંદર તેમની કંપની મારુવા ઉન્યુ કિકાન પાસે 100થી વધુ ટ્રક હતા. આજે આ કંપની સમગ્ર જાપાનમાં સુપરમાર્કેટ અને દવાઓના સ્ટોર પર સપ્લાઈ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, એક સમયે માત્ર થોડા પૈસા માટે શાકભાજીની દુકાન પર કામ કરતા માસરુ વાસમી આજે અબજોપતિ છે.

એક ઈન્ટરવ્યુમાં માસરુએ એ રાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે રાતે મને આ નવા બિઝનેસનો વિચાર આવ્યો એ રાતે હું ઉંઘી શક્યો નહતો. મેં મારા એક મિત્ર સાથે પોતાના ટ્રકમાં સામાન ડિલિવરીનું કામ શરુ કર્યું. ટોક્યો રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કંપનીના એક્સપર્ટ કેનજી કનાઈએ એમેઝોન સાથે 74 વર્ષીય વાસમીના બિઝનેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નવી તકો પર તેમની બાજ નજર રહે છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના એક રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી મોટા ઓનલાઈન રિટેલર સાથે તેમની ભાગીદારીને કારણે કંપની મારુવાના શેરમાં ધરખમ વધારો થયો અને એક વર્ષમાં કંપનીની વેલ્યૂ બમણા કરતા પણ વધુ થઈ ગઈ. વાસમી લગભગ 60 ટકા શેર સાથે કંપનીના પ્રત્યક્ષ માલિક છે, જેમાંથી તેમને એક અબજ ડોલરનો ચોખ્ખો નફો થયો.

ઉલ્લેખનીય છે કે, એમેઝોન અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓએ પોતાનો બિઝનેસ શરું કર્યાના થોડાક જ વર્ષોમાં અધધ સંપત્તિ બનાવી છે. આજે એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ 107.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે. ઈ-કોમર્સ અલીબાબના પ્રમુખ આજે ચીનના સૌથી ધનિક વ્યક્તિ છે. ગયા વર્ષે જ તેમણે કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું. આવી જ રીતે ફ્લિપકાર્ટના બે સહ સંસ્થાપક પણ ગયા વર્ષે અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થયાં.