મુંબઈ – બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ)ના બોન્ડ પ્લેટફોર્મ પરથી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)એ તેના બોન્ડ ઈસ્યૂ મારફત 8000 કરોડ રૂપિયા ઊભા કર્યા છે.
આજે કરવામાં આવેલી જાહેરાત મુજબ બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર કુલ 20,071 કરોડ રૂપિયાનાં 247 બિડ્સ જમા થયા હતા, જે આંકડો ઘણો ઊંચો ગણાય.
આ એક ડેટ સિકયોરિટીઝનું મંચ છે, જ્યાં ઈલેકટ્રોનિક બુક મિકેનિઝમ મારફત પ્રાઈવેટ પ્લેસમેન્ટથી ઓફર થાય છે.
બે વર્ષમાં 9 લાખ કરોડથી વધુ ફંડ
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર આશિષ ચૌહાણે કહ્યુ કે જુલાઈ 2016માં લોન્ચ થયેલું આ પ્લેટફોર્મ કંપનીઓ માટે બોન્ડ્સ મારફત ભંડોળ ઊભું કરવામાં અગ્રેસર રહ્યું છે. અત્યારસુધીમાં આ મંચ પરથી 9.02 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરાયું છે. કંપનીઓ માટે આ મંચ ફંડ રેઈઝિંગની સરળ સુવિધા બની ગયું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પણ નવેમ્બર સુધીના સમયગાળામાં આ મંચ પરથી 1.96 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે.
બીએસઈ આ બોન્ડ માર્કેટમાં 60 ટકા જેવો હિસ્સો ધરાવે છે એમ તેમણે ઉમેર્યુ હતું.
એફસીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી.એસ. મોહપાત્રાએ પણ બીએસઈના બોન્ડ મંચને મૈત્રીપૂર્ણ ગણાવ્યું હતું.