નવી દિલ્હીઃ ટૂ-વ્હિલર ઉત્પાદક કંપની હિરો મોટોકોર્પના એક્ઝિક્યૂટિવ ચેરમેન પવન મુંજાલના નિવાસસ્થાન તથા ઓફિસો ખાતે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ આજે દરોડા પાડ્યા છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંજાલ સામે કરવામાં આવેલી ફરિયાદના આધારે મની લોન્ડરિંગને લગતા કેસના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. મુંજાલ ઉપરાંત બીજા 10 વ્યક્તિઓને ત્યાં પણ ઈડી અમલદારોએ દરોડા પાડ્યા છે.
સૂત્રોએ એવો દાવો કર્યો છે કે ડીઆરઆઈના અમલદારોની એક ટીમને મુંજાલના ઘરમાંથી વિદેશી કરન્સી મળી આવી હતી. જોકે મુંજાલને ત્યાં પોતે પાડેલા દરોડામાં શું મળ્યું છે તે વિશે ઈડી અમલદારોએ કંઈ પણ કહ્યું નથી. એવો અહેવાલ છે કે ડીઆરઆઈના અમલદારોને એરપોર્ટ પર મુંજાલના એક નિકટના સગાની પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી કરન્સી મળી આવી હતી. તે સમાચાર અને આજના દરોડાને કારણે શેરબજારમાં હિરો મોટોકોર્પના શેરને મોટો ફટકો પડ્યો છે. શેર લગભગ 4 ટકા જેટલો તૂટીને 3,032 રૂપિયાનો દેખાયો હતો. તે અગાઉ રૂ.3,242.85નો હતો.