નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાના મોરચે હાલમાં ભારતની સ્થિતિ સુધરતી હોય તેમ લાગતું નથી. ગ્રામીણ ક્ષેત્રોમાં જેવી રીતે વસ્તુઓની માગ ઘટી રહી છે, તે જોતાં આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમ જ શુક્રવારે સરકારે વેચાણના સંબંધમાં કેટલાય ચઢાવઉતાર જેવી પરિસ્થિતિમાં ફેરફારની વાત કરતાં 2017-18ના સ્થાનિક વેચાણ સાથે સંકળાયેલ સર્વેને જાહેર કરતાં અટકાવી દીધો હતો. પણ તમામ સંકેત એવું બતાવે છે કે નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં માગની સ્થિતિ ખરાબ થઈ રહી છે.
આ દરમિયાન જાણવા મળ્યું છે કે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં એફએમસીજી, ટ્રેકટર, બે પૈડાંના વાહનોની ડિમાન્ડ જોઈએ તેટલી રહી નથી, અને તેની સાથે સોનાની માગમાં પણ ઘટાડો આવ્યો છે. જો કે સોનાની માગમાં અડધો હિસ્સો ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. આવી સ્થિતિમાં આ સેકટરની સ્થિતિ પણ મંદીવાળી છે.
ગ્રામ્ય વિસ્તારોની આર્થિક સ્થિતિ નબળી છે, શ્રમિકોને મળતાં વેતનમાં પણ ઘટાડો થયો છે. તેમ જ મજૂરો માટે સીપીઆઈ વધવાની સાથે માર્ચ પછી વાસ્તવિક મજૂરીમાં પણ ઘટાડો થયો છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ રૂરલ લેબર અંર્તગત વાસ્તવિક વેતનમાં વૃદ્ધિ દરમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઝડપી ઘટાડો થયો હતો. સીપીઆઈ-આરએલ 6.23 ટકાની સાથે ભલે મજૂરી દર 3.4 ટકા વધ્યો હોય, પણ ખરેખર મજૂરી 2.83 ટકા ઘટી ગઈ છે. આ સંજોગોમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ડિમાન્ડ ઘટી છે.
કેટલાક અર્થશાસ્ત્રીનું કહેવું છે કે કેટલાક મોટા રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું હતું, જેને કારણે ચોમાસુ ખેતીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આથી ગ્રામ્ય વિસ્તારોની ડિમાન્ડ ઘટી હોવાનો આધાર મનાઈ રહ્યો છે. પબ્લિક ફાયનાન્સ કંપની સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર કેટલાક વર્ષોથી રોકાણમાં ઘટાડો થયો છે, જેને કારણે રોજગાર પર અસર પડી છે. આવી સ્થિતિમાં આવક ઘટી છે. ગામડામાંથી શહેરોમાં તરફ પ્રયાણ કરનારા લોકોને કોઈ ખાસ તક સાંપડી નથી, આથી મોટી સંખ્યામાં લોકો ગામડામાં જ રોકાઈ ગયાં છે. જ્યારે બીજી તરફ નોટબંધી પછી ખેતીના કામોમાં ઘટાડો થયો છે.