એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમનું માર્ચ-2020 સુધીમાં વેચાણ કરી દેવાશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે સરકાર તેની હસ્તકની બે કંપની – એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ને 2020ના માર્ચ સુધીમાં વેચી દેવા ધારે છે.

એક મુલાકાતમાં સીતારામને કહ્યું કે સરકારની ધારણા છે કે વેચાણનો સોદો આ વર્ષમાં જ પૂરો થઈ જશે.

ઉક્ત બંને કંપની દેવામાં ડૂબી ગઈ છે. એને વેચી દેવાથી સરકારને રૂ. 1 લાખ કરોડ મળશે.

એર ઈન્ડિયાને ખરીદવા માટે ઈન્વેસ્ટરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અગાઉ એવો ઉત્સાહ નહોતો જણાયો એટલે એનું વેચાણ કરી શકાયું નહોતું.

સીતારામને એમ પણ કહ્યું છે કે દેશમાં આર્થિક મંદીનો સામનો કરવા માટે સરકારે કેટલાક મહત્ત્વના પગલાં લીધા છે. એને કારણે અનેક ક્ષેત્રો મંદીમાંથી બહાર આવી ગયા છે અને બીજા ઘણા નીકળી રહ્યા છે. અનેક ઉદ્યોગોના માલિકોને જણાવાયું છે કે તેઓ એમની કંપનીઓની બેલેન્સ શીટમાં સુધારા કરે. એમ થવાથી જીએસટી કલેક્શન પણ વધશે.

એર ઈન્ડિયાને માથે રૂ. 58 હજાર કરોડનું દેવું છે. વીતી ગયેલા નાણાકીય વર્ષમાં તેણે રૂ. 4,600 કરોડની ઓપરેટિંગ ખોટ નોંધાવી હતી. આ ખોટ જવાનું મુખ્ય કારણ કાચા તેલના ઊંચા ભાવ અને ફોરેન એક્સચેન્જની ગયેલી ખોટ છે.