નવી દિલ્હીઃ વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેકટ્રોનિક કચરાના ક્ષેત્રમાં ભારતમાં આશરે 5 લાખથી વધારે નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઉભરતાં બજારોમાં પ્રાઈવેટ સેક્ટર પર આઈએફસીએ આ અનુમાન જાહેર કર્યું છે.
આઈએફસી અનુસાર ઈલેકટ્રોનિક કચરા ક્ષેત્રમાં સંપૂર્ણ શ્રૃંખલા-સંગ્રહ, એકત્રીકરણ, નિરાકરણ અને રીસાઈક્લિંગમાં 2025 સુધી 4,50,000 પ્રત્યક્ષ રોજગાર પેદા થશે. આ સિવાય હજારોની સંખ્યામાં અપ્રત્યક્ષ રોજગારનું પણ સર્જન થશે. આ સાથે જ પરિવહન અને વિનિર્માણ જેવા સંબંદ્ધ ક્ષેત્રમાં પણ 1,80,000 નોકરીઓ સર્જાવાની શક્યતા છે.
આઈએફસી 2012 થી ઈ-કચરા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈ-વેસ્ટ નિયમ 2016 અંતર્ગત આઈએફસી અને કરો સંભવ નામના એક પીઆરઓએ એ દર્શાવા માટે કે ક્ષેત્રના પડકારો માટે આખા ભારતમાં જમીનીસ્તર પર સમાધાન સંભવ છે, 2017માં ઈન્ડિયા ઈ-વેસ્ટ પ્રોગ્રામની શરુઆત કરી હતી.
આ પ્રોગ્રામ પીઆરઓ મોડલને સમર્થન આપવા અને જવાબદાર ઈ-કચરા પ્રબંધન માટે પરિસ્થિતિનું તંત્ર વિકસિત કરવા પર કેન્દ્રીત છે. પ્રોગ્રામ અંતર્ગત નાગરિકો અને નિગમોથી 4,000 મેટ્રિક ટનથી વધારે ઈ-કચરો એકત્રિત કરવામાં આવ્યો છે અને જવાબદારીથી તેને રિસાઈકલ કરવામાં આવ્યો છે.
શાળાના બાળકો સહિત 2260000 નાગરિકોને બેકાર થઈ ચૂકેલા ઈલેકટ્રોનિક્સ ઉપકરણોના સુરક્ષિત નિકાલ અંગે જાગૃત કરવામાં આવ્યું છે. આઈએફસી સીનિયર કન્ટ્રી હેડ વિક્રમજીત સિંહે જણાવ્યું કે આઈએફસી દુનિયા સામે આવનારા જટિલ પડકારોને હલ કરવા માટે પ્રાઈવેટ સેક્ટરના સમાધાન વિકસીત કરે છે. ઈન્ડિયા ઈ-વેસ્ટ પ્રોગ્રામ દ્વારા અમે એક મોટું અને સમાવેશી પ્રાઈવેટ ક્ષેત્રના નેતૃત્વ વાળું સમાધાન તૈયાર કર્યું છે, જે ભારતમાં તેજીથી વધતાં ક્ષેત્રમાં ઔપચારિક રોજગારને વેગ આપશે અને રોકાણ અવસરોનું સર્જન કરશે.
ભારત ઈલેકટ્રોનિક્સ માટે સૌથી તેજીથી વધતાં બજારો પૈકી એક છે અને માગ 2020 સુધી 400 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. ભારતમાં પ્રતિવર્ષ 20 લાખ ટન ઈ-કચરો પેદા થાય છે. આ 2020 સુધી 50 લાખ ટન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
ભારતના ઈ-વેસ્ટ નિયમ, 2011 અનુસાર ઈ-વેસ્ટના રિસાઈકલિંગ અને રીડ્યૂસિંગની જવાબદારી મેન્યુફેક્ચરરની થશે. મેન્યુફેક્ચરર આના માટે જગ્યાએ-જગ્યાએ કલેક્શન સેન્ટર ખોલશે અથવા ટેક બેકની સિસ્ટમની શરુઆત કરશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઈલેકટ્રોનિક સામાનનો ઉપભોગ અને ઉપયોગ ખૂબ તેજીથી વધી રહ્યો છે. આવામાં મોટા પાયે ઈ-કચરો પણ પેદા થઈ રહ્યો છે. જેના નિસ્તારણ માટે ઈ-વેસ્ટ પ્રબંધનનું કામ ખૂબ વધી ગયું છે. આ ક્ષેત્રમાં ઘણી કંપનીઓ સંગઠિતપણે કામ કરી રહી છે.