મુંબઈ – કેન્દ્ર સરકાર હસ્તકની ટેલિકોમ કંપનીઓ – બીએસએનએલ અને એમટીએનએલ આર્થિક ખોટમાં ડૂબી ગઈ છે ત્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ તરફડિયાં મારી રહી છે. વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓએ એમનાં મોબાઈલ ફોન ગ્રાહકોને સસ્તા દરે કોલ્સ અને ઈન્ટરનેટ ડેટાની સુવિધા પૂરી આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓએ એમની પ્રી-પેઈડ સેવાઓનાં દરોમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. આમ, આ કંપનીઓનાં ગ્રાહકોના ખિસ્સા પર નવો બોજો આવી પડશે.
એરટેલ અને વોડાફોને અનલિમિટેડ કેટેગરીમાં નવા દર જાહેર કર્યા છે. હાલના પ્રી-પેઈડ પ્લાન્સની સરખામણીમાં નવા પ્લાન્સના ચાર્જિસ 50 ટકા જેટલા વધારે છે. નવા ચાર્જિસ 3 ડિસેંબરથી લાગુ કરાશે.
3 ડિસેંબરથી એરટેલ અને વોડાફોનઆઈડિયા કંપનીઓનાં ગ્રાહકોએ ચાર અઠવાડિયા સુધી (28 દિવસ) માટે મોબાઈલ ફોન પરથી કોલ્સ કરવા અને ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે મિનિમમ રૂ. 49 ચૂકવવા પડશે.
રિલાયન્સ જિયોએ કહ્યું છે કે તે 6 ડિસેંબરથી ઓલ-ઈન-વન પ્લાન્સ બહાર પાડશે, જે અંતર્ગત અનલિમિટેડ વોઈસ અને ઈન્ટરનેટ ડેટાનાં દર 40 ટકા જેટલા ઊંચા હશે.
ચાર્જિસ વધારવાની જાહેરાત સૌથી પહેલાં વોડાફોન-આઈડિયાએ કરી હતી. ત્યારબાદ એરટેલે જાહેરાત કરી્ હતી.
છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓએ મોબાઈલ ફોન કોલ્સ અને ડેટાનાં દરમાં આ પહેલી જ વાર વધારો કર્યો છે. પરંતુ એ પાંચ કે 10 ટકા નથી, પણ 50 ટકા જેટલો છે.
એરટેલ પ્રી-પેઈડ વાર્ષિક રિચાર્જ માટે અગાઉ 1,699 રૂપિયા લેતી હતી, પણ હવે રૂ. 2,398 ચૂકવવા પડશે.
82/84 દિવસની વેલિડિટીવાળા પ્લાન માટે અગાઉ 399/448 રૂપિયા ચૂકવવા પડતા હતા, પણ હવે રૂ. 598 ચૂકવવા પડશે. એવી જ રીતે, 28 દિવસના પ્લાનમાં પણ એરટેલે 79 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.
વોડાફોનના ગ્રાહકોને વાર્ષિક રિચાર્જ માટે રૂ. 1,699 ચૂકવવા પડતા હતા, પણ હવે રૂ. 2,399 ચૂકવવા પડશે. એવી જ રીતે, 84 દિવસના પ્લાન માટે રૂ. 458 ચૂકવવા પડતા હતા જે હવે રૂ. 599 ચૂકવવા પડશે.