ભારતમાં હવે ઈ-ફાર્મસીઓ દવાનો સંગ્રહ કરી નહીં શકે

મુંબઈ – ઓનલાઈન મેડિકલ સ્ટોર્સ અથવા ઈ-ફાર્મસીઝને હવેથી દવાઓનો સંગ્રહ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે અને એમણે ગ્રાહકોને એમના ઘેર દવાઓ પહોંચાડવા માટે ઓફ્ફ-લાઈન રીટેલ ફાર્મસીઓ સાથે સહયોગ કરવો પડશે.

આમ, કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે અનેક ફરિયાદો આવ્યા બાદ મોટું પગલું ભર્યું છે.

હવેથી ઓનલાઈન દવાઓ વેચતા ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ દવાઓનો સ્ટોક રાખી નહીં શકે અને રીટેલ અથવા હોલસેલ દવા વિક્રેતાઓ સાથે સહયોગ કરીને જ એમના ગ્રાહકોને દવા સપ્લાય કરી શકશે.

સરકારે ઈ-ફાર્મસી રેગ્યૂલેશનમાં મોટો ફેરફાર કર્યો છે. ઓનલાઈન પ્લેટફાર્મ્સ હવે માત્ર દવાઓનો ઓર્ડર જ બુક કરી શકશે.

દેશમાં હાલ ઈ-ફાર્મસીના લગભગ 50 પ્લેટફાર્મ્સ ચાલે છે, જ્યારે દવાઓની લગભગ આઠ લાખ રીટેલ દુકાનો રજિસ્ટર્ડ થયેલી છે.

ઈ-ફાર્મસીઓએ ગ્રાહકોએ આપેલા પ્રિસ્ક્રીપ્શનને પણ સંભાળીને રાખવું પડશે. ડોક્ટરે જણાવ્યાનુસાર જ દવા આપવી પડશે.

એન્ટીબાયોટિક્સ મામલે પણ તેણે આનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પ્રિસ્ક્રીપ્શન વિના એન્ટીબાયોટિક્સ દવાનો ઓર્ડર પણ બુક કરી શકાશે નહીં.

સરકાર આમ પહેલી જ વાર મેડિકલ સ્ટોર્સને પણ ગ્રાહકોને સીધા એમના ઘેર જઈને દવા પહોંચાડવાનો અધિકાર આપી રહી છે. અત્યાર સુધી આને ગેરકાયદેસર માનવામાં આવતું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે સંબંધિત તમામ પક્ષકારો સાથે ચર્ચા-મસલત કર્યા બાદ નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]