નવી દિલ્હી: મત આપવો એ ભારતના દરેક નાગરિકનો અધિકાર છે. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી શરુ થઈ ગઈ છે. ગત 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન બાદ 18 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે મોટી ખાનગી કંપનીઓ મતદાનને લઈને તેમના કર્મચારીઓને અનેક પ્રકારે સુવિધા પૂરી પાડી રહી છે. જાણીતી ઈ-કોમર્સ કંપની સેમસંગ તેમના કર્મચારીઓ માટે વોટિંગ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરી રહી છે. જે કર્મચારીઓને મતદાન કરવા માટે દૂરના સ્થળે જવાનું હોય, તેવા કર્મચારીઓને કંપની એક દિવસની રજા આપી રહી છે.
ડોમીનોઝ અને ડન્કિન ડોન્ટ્સ જેવી કંપનીઓ પણ તેમના કર્મચારીઓને મતદાન માટે એક દિવસની રજા આપી રહી છે. સ્વિગીએ પણ તેમના ડિલીવરી સ્ટાફ માટે ‘મત આપવાનો સંકલ્પ’ ઝૂંબેશ શરુ કરી છે. ઉદ્યોગ જગત ઈચ્છે છે કે, કર્મચારીઓ લોકતંત્રના આ મહાપર્વમાં મતદાન કરી તેમનું યોગદાન આપે.
વોલમાર્ટની માલિકીનો હક્ક ધરાવતી ફ્લિપકાર્ટ પણ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરી રહી છે. સેમસંગે કર્મચારીઓને કહ્યું કે, જો તે મતદાન કરવા માટે દૂર જવાનું હોય તો એક દિવસની રજા લઈ શકે છે. આ રજા કર્મચારીઓને ઓફિશિયલી આપવામાં આવશે એટલે કે, પગાર કાપવામાં નહીં આવે. સ્વિગીએ મતદાન કરનારા તેમના કર્મચારીઓ માટે ‘સ્વિગી સ્માઈલ્સ’ રિવોર્ડ પોઈન્ટ આપવાની જાહેરાત કરી છે.
મતદાન માટે કર્મચારીઓને એક દિવસની રજા આપનાર કંપનીઓમાં એલએન્ડટી, એમએન્ડએમ, ઈન્ફોસિસ, ડેલોયટ, એક્સેન્ચર અને ટાઈટનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેમ કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)એ તેમના તમામ કર્મચારીઓને મતદાન કરવાની અપીલ કરતો મેસેજ મોકલ્યો છે.
કેટલીક કંપનીઓ મતદાનને પ્રોત્સાહન આપવા માટે તેમના ટ્વીટર હેન્ડલ દ્વારા કેમ્પેઈન ચલાવી રહી છે. અમૂલે 10 દિવસમાં 3.5 મિલ્ક પેકેટ પર ‘ગો એન્ડ વોટ’નો મેસેજ છપાવ્યો છે.