કોલ પ્રોજેક્ટને ન્યાયિક રીતે આગળ વધવા દે ઓસ્ટ્રેલિયન સરકાર: અદાણી ગ્રુપ

નવી દિલ્હી- દેશમાં એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયાની સરકારને તેમનો વિવાદિત કોલસાની ખાણનો પ્રોજેક્ટ ન્યાયપૂર્ણ રીતે આગળ વધવા દેવા માટે અપીલ કરી છે. અદાણી કોલ માઈનિંગના મુખ્ય કાર્યપાલ અધિકારી લુકાસ ડો એ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને કહ્યું કે, અમે બધાં માત્ર એવું ઈચ્છીએ છીએ કે આ મામલે ન્યાયપૂર્ણ રીતે વિચાર કરવામાં આવે અને અન્ય મુદ્દાઓની જેમ જ આ મુદ્દા પર વિચાર કરવામાં આવે.  કેટલાક મુદ્દાઓમાં એવુ નથી થયું પરંતુ અમે તેની ફરિયાદ નથી કરવા માગતાં.

મહત્વનું છે કે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયાના મધ્ય ક્વીન્સલેન્ડના ગેલિલ બેસિન સ્થિત કારમાઈકલ કોલસાની ખાણને ખરીદીને ઓસ્ટ્રેલિયાના બજારમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રોજેક્ટને લઈને ઓસ્ટ્રેલિયાના પર્યાવરણવિદો સતત વિરોધ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે, પ્રોજેક્ટના કારણે જળવાયુ પરિવર્તન પર અસર પડશે. આ ઉપરાંત અદાણીનો આ પ્રોજેક્ટ ‘ગ્રેટ બેરિયર રીફ વર્લ્ડ હેરિટેજ’ વિસ્તારને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દરિયાઈ જીવો રહે છે. આ પ્રોજેક્ટ હેઠળ અદાણીને 2.3 અબજ ટન કોલસાનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

અદાણી માઈનિંગના મુખ્ય કાર્યકારી અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાની સરકારે વિવાદિત ભૂજળ મેનેજમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયા સરકારનું કહેવું છે કે, આ યોજના વૈજ્ઞાનિક જરૂરીયાતોને પૂર્ણ કરે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]