નવા ટેક્સ માળખા વિશે શું વિચારે છે કરદાતા અને નિષ્ણાતો?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ-2020માં ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઇન્કમ સ્લેબની જાહેરાત કરી છે જેમાં નવા ટેક્સ માળખામાં નીચે મુજબ ટેક્સના સ્લેબની દરખાસ્ત કરી છે.

રૂ. 2.50 લાખ સુધી     ઝીરો
રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખ સુધી  5 ટકા
રૂ. 5 લાખથી વધુ અને રૂ. 7.50 લાખ સુધી 10 ટકા
રૂ. 7.50 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી 15 ટકા
રૂ. 10 લાખથી વધુ અને રૂ. 12.50 લાખ સુધી  20 ટકા
રૂ. 12.50 લાખથી વધુ અને રૂ. 15 લાખ સુધી    25 ટકા
રૂ. 15 લાખથી વધુ  30 ટકા

નાણાપ્રધાને નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નવી વ્યવસ્થા વિકલ્પરૂપે હશે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ જૂના ટેક્સ માળખા પ્રમાણે ટેક્સ ભરવા ઇચ્છે તો તે એવું કરી શકશે. નવી વ્યવસ્થા મુજબ રૂ. 2.50 લાખની આવક પહેલાંની જેમ કરમુક્ત હશે અને રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઇન્કમ ટેક્સની જૂની વ્યવસ્થા મુજબ કરદાતાઓએ ટેક્સ ચૂકવતી વખતે કેટલાય પ્રકારની કપાત અને રાહત મળતી હતી. નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ટેક્સ પેયર્સ નવા ટેક્સ માળખાનો લાભ લેવા ઇચ્છે તો તેણે 100માંથી 70 કપાતને છોડવી પડશે.

ટેક્સ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ એક નિરર્થક કવાયત છે. નાણાપ્રધાને નવા ટેક્સ માળખાને રજૂ કરતાં કહ્યું હતું કે નવા ટેક્સ માળખાને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ટેક્સ નિષ્ણાતે જણાવ્યું હતું કે  ભાગ્યે જ કોઈ કરદાતા જૂના માળખામાં મળતા લાભને છોડવાનું પસંદ કરશે. આ ઉપરાંત નવા ટેક્સ માળખાના લાભ-ગેરલાભ સમજવા માટે ટેક્સ નિષ્ણાતની મદદ લેવી પડશે.

ભાગ્યે જ કોઈ કરદાતા હશે, જે 80સી હેઠળ મળનારો લાભ જતો કરશે. આ સાથે જૂના ટેક્સ માળખામાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એલટીએ, હોમ લોન પરનું વ્યાજ, સિનિયર સિટિઝનને વ્યાજની આવક પર મળનારી રૂ. 50,000ની છૂટ સામેલ છે. જે નવા ટેક્સ માળખાનો લાભ લેતાં જતી કરવા પડશે.