બોન્ડ્સ વેલ્યુએશનની નવી સર્વિસ લોન્ચ કરવા IHS માર્કિટ સાથે BSEનો કરાર

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)એ દેશમાં ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઝનું મૂલ્યાંકન પ્રદાન કરવા માટે નવી સેવા સંયુક્તપણે વિકસાવવા માટે આજે આઈએચએસ માર્કિટ સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો હતો. આઈએચએસ માર્કિટ ગ્લોબલ ઈન્ફોર્મેશન સર્વિસીસ પ્રોવાઈડર છે. આ સર્વિસ 2020ના પ્રથમ છ મહિનામાં શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ વેલ્યુએશન સર્વિસ ઓન-શોર અને ઓફ્ફ શોર ક્લાયન્ટ્સને પૂરી પાડવામાં આવશે અને તેમાં બીએસઈના સ્થાનિક બજાર સંબંધિત નૈપુણ્ય અને આઈએચએસ માર્કિટની ઈન્ટરનેશનલ માર્કેટ્સ માટે ફિક્સ્ડ ઈન્કમ ડેટા સર્વિસીસ વિકસાવવા માટેના વ્યાપક અનુભવનું પ્રતિબિંબ હશે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “આઈએચએસ માર્કિટ સાથે સંકળાવાનો અમને આનંદ છે. આ સહયોગથી રોકાણકારોને ફિક્સ્ડ ઈન્કમ સિક્યુરિટીઝની કિંમત અને મૂલ્યાંકન અંગેની પ્રીમિયમ સર્વિસ ઉપલબ્ધ થશે, જે આઈએચએસ માર્કિટની ભારતીય બજારને અનુરૂપ પદ્ધતિઓ આધારિત હશે. આ જોડાણ ભારતીય તેમ જ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ફિક્સડ ઈન્કમ સિક્યુરિટીઝમાં રોકાણ કરવામાં લાભકર્તા બની રહેશે. ”

“ભારતની વધી રહેલી બોન્ડ માર્કેટમાં ફિક્સડ ઈન્કમ વેલ્યુએશન વધારવાની નોંધપાત્ર તક અમને દેખાઈ રહી છે. ઉચ્ચ ગુણવત્તાની અને સ્થાનિક બજારમાં ફિક્સ્ડ ઈન્કમ માર્કેટ્સમાં ઈશ્યુઅરો, રોકાણકારો અને બેન્કો માટે લાભકર્તા એવી પારદર્શી પ્રાઈસિંગ સર્વિસ વિકસાવવા બીએસઈના એક્સપર્ટાઈઝ અને નેટવર્ક સાથે જોડાવું આવશ્યક હતું, ” એમ એપીએસી આઈએચએસ માર્કિટના પ્રાઈસિંગ, વેલ્યુએશન્સ એન્ડ રેફરન્સ ડેટાના હેડ સેજ પટેલે કહ્યું હતું.