રિઝર્વ બેંક રેટ કટ કરી શકે છેઃ પણ લોન સસ્તી થશે?

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આવનારા સમયમાં રેપો રેટમાં ફરીથી ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, રેટ કટમાં ઘટાડા મામલે ડિસેમ્બરમાં એટલા માટે રોક લગાવવામાં આવી, કારણ કે આરબીઆઈ આના માટે યોગ્ય તકની રાહ જોઈ રહી હતી. દાસે કહ્યું કે, કોર્પોરેટ્સ, નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની તેમજ બેંક વર્તમાન સમયમાં પોતાની બેલેસ શીટને યોગ્ય કરવાની પ્રક્રિયામાં છે, જેનાથી ભવિષ્યમાં ગ્રોથ સુનિશ્ચિત થશે.

તેમણે કહ્યું કે નોન પર્ફોર્મિંગ એસેટ્સના નિરાકરણમાં તેજી આવી રહી છે. તેમણે કહ્યું કે, એસ્સાર સ્ટીલ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયે રિઝોલ્યુશન સાથે જોડાયેલા એક મોટા મુદ્દાનું સમાધાન કર્યું છે, જે લાંબા સમયથી લંબિત હતો.

ગવર્નરે કહ્યું કે, એક બાજુ જ્યારે દુનિયાના એક મોટા ભાગમાં અર્થ વ્યવસ્થામાં સુસ્તી દેખાઈ રહી છે, ત્યારે આવામાં વિભિન્ન અર્થવ્યવસ્થાઓ વચ્ચે એક સમન્વિત નીતિની ઉણપ જણાઈ છે, જે વૈશ્વિક નાણાંકિય સંકટ દરમિયાન જોવા મળી હતી. તેમણે કહ્યું કે, વૈશ્વિક આર્થિક સંકટના 10 વર્ષ બાદ જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી છે ત્યારે આવામાં બહુપક્ષીયતા જેવું કંઈ દેખાતું નથી. આજે દ્વિપક્ષવાદે બહુપક્ષવાદની જગ્યા લઈ લીધી છે.

આર્થિક સુસ્તીને લઈને વધી રહેલી ચિંતા છતા રિઝર્વ બેંકે મોંઘવારી જોતા ડિસેમ્બરમાં નીતિગત વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન કર્યો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અમે 5 વારમાં 1.35 ટકા રેપોરેટ ઘટાડી ચૂક્યા છીએ, પરંતુ બેંકોએ લોન સસ્તી કરી નથી. આરબીઆઈએ ચાલૂ નાણાંકિય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધું છે.