BSE, મદુરાઈ ગોલ્ડ ઍન્ડ સિલ્વર મર્ચન્ટ અસોસિયેશન વચ્ચે સમજૂતી

મુંબઈઃ દેશના દ્વિતીય ક્રમાંકના કોમોડિટી એક્સચેન્જ – બીએસઈએ કોમોડિટીના વિકાસને તથા પ્રસ્તાવિત ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રીસિટ (ઈજીઆર) માર્કેટને વેગ આપવાના હેતુસર મદુરાઈ ગોલ્ડ ઍન્ડ સિલ્વર મર્ચન્ટ અસોસિયેશન સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બન્ને સંસ્થાઓ ભેગી મળીને દેશમાં સોનાના હાજરના વેપારને વિકસાવવા માટે તથા એમાં થનારા નવસર્જનને ટેકો આપવા માટે કાર્ય કરશે.

આ નિમિત્તે બીએસઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર મદુરાઈ અને વિશાળ દક્ષિણ પ્રાંતના બુલિયન વેપારીઓ, હોલસેલરો, રિટેલરો અને નિકાસકારો આ સમજૂતીને પગલે બુલિયન બજારમાં નવસર્જન કરશે તથા બજારનો વિકાસ કરવામાં સહભાગ આપશે.

ઇન્ટરનૅશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી)ના ઇન્ડિયા ઇન્ટરનૅશનલ બુલિયન એક્સચેન્જ (આઇઆઇબીએક્સ)ના પ્રારંભ તથા તેના વિકાસ માટે પણ બન્ને સંસ્થાઓ કાર્ય કરશે એવું નક્કી થયું છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઑફિસર સમીર પાટીલે કહ્યું હતું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર ધમધમતું ગોલ્ડ એક્સચેન્જ વિકસાવવામાં બીએસઈ પરિવર્તન લાવનારી ભૂમિકા ભજવશે અને દેશભરમાંથી વધુ ને વધુ લોકો આ મંચના સહભાગી બને એ માટે કાર્ય કરશે.

મદુરાઈ ડિસ્ટ્રિક્ટ ગોલ્ડ ઍન્ડ સિલ્વર મર્ચન્ટ અસોસિયેશનના પ્રમુખ બા રમેશે કહ્યું હતું કે બીએસઈ સાથેના આ સહકારથી અમારા ૨૯૦ કરતાં વધુ સભ્યો સોનાનાં ભાવસંબંધી જોખમોને ઘટાડી શકશે અને ઉચ્ચતમ ગુણવત્તાનું સોનું પ્રાપ્ત કરી શકશે.