મુંબઈઃ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કુલ બીએસઈની કોન્સોલિડેટેડ આવક આગલા વર્ષના સમાન ગાળાના રૂ.225.8 કરોડથી છ ટકા વધીને રૂ.239.8 કરોડ અને કાર્યકારી આવક રૂ.188.8 કરોડથી પાંચ ટકા વધીને રૂ.197.7 કરોડ થઈ છે. જોકે શેરધારકોને વહેંચવા માટેનો એકત્રિત નફો રૂ.65.1 કરોડથી 48 ટકા ઘટીને રૂ.33.8 કરોડ થયો છે.
કંપનીઓ માટે બીએસઈ મૂડીસર્જન માટેનું પસંદગીયુક્ત પ્લેટફોર્મ રહ્યું છે અને તેમણે ઉક્ત 3 મહિનામાં રૂ.3.7 લાખ કરોડ એકત્ર કર્યા છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 11.7 કરોડથી અધિક થઈ ગઈ છે.
બીએસઈના ઈક્વિટી સેગમેન્ટમાં દૈનિક કામકાજની સરેરાશ 17 ટકા, ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 88 ટકા અને કરન્સી ડેરિવેટિવ્ઝમાં 31 ટકા વધી છે. બીએસઈ સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં 39 ટકાનો વધારો થયો છે. બીએસઈએ ઓક્ટોબર મહિનામાં પ્રથમવાર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સના ટ્રેડિંગનો પ્રારંભ કર્યો છે.
અન્ય સાહસોની પ્રગતિ
બીએસઈ દ્વારા પ્રમોટ કરાયેલા ગ્લોબલ એક્સેસ પ્લેટફોર્મ ઈન્ડિયા આઈએનએક્સે પણ સારી પ્રગતિ કરી છે અને આ ક્ષેત્રે તેનો બજાર હિસ્સો 92.1 ટકા રહ્યો છે. બીએસઈની ઈન્સ્યુરન્સ બ્રોકિંગ પાંખ બીએસઈ ઈબિક્સ દ્વારા એકત્ર કરાયેલા કુલ પ્રીમિયમની રકમમાં 78 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બીએસઈ આ સાહસમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. એ સિવાય બીએસઈ ઈ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. બીએસઈની સંપૂર્ણ માલકિની સબસિડિયરી બીએસઈ ટેકનોલોજીસે કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી તરીકે કામકાજ શરૂ કર્યું છે.