મુંબઈ: ‘સેબી’ અને ‘સીડીએસએલ’ના સહયોગથી અને નાણાં મંત્રાલયના નેજા હેઠળ ‘બીએસઈ’ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઈપીએફ)એ “આઝાદી કા અમૃત મહોત્સવ” શ્રેણી અંતર્ગત 16 ઓક્ટોબર 2021ના રોજ ચેન્નાઈ ખાતે નાણાકીય સ્વાતંત્ર્ય માટેના રોકાણકાર જાગૃતિ અને શિક્ષણ વિશેના પ્રથમ ફિઝિકલ સેમિનારનું આયોજન કર્યું હતું.
લાંબા સમય બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં સેબીના પૂર્ણ સમયના મેમ્બર જી. મહાલિંગમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એન. હરિહરન (સીજીએસ સેબી), બી. રાજેન્દ્રન (રિજનલ ડિરેક્ટર એસઆરઓ, સેબી, સીએસ) ખુશરો બલસારા (હેડ-બીએસઈ આઈપીએફ) અને સીડીએસએલના પ્રેસિડેન્ટ યોગેશ કુંદનાની તથા અન્યોએ વક્તવ્ય આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ મર્યાદિત રોકાણકારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેનું યૂટ્યૂબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાલિંગમે બીએસઈ આઈપીએફ અને વિબ્ગ્યોર એજ્યુકેશન્સનાં પ્રિયા અગરવાલે કરેલી ખાસ પહેલ www.pledgecertificate.com ને લોન્ચ કરી હતી. આ વેબસાઈટ પર ભારત અને વિશ્વના રોકાણકારો સ્માર્ટ રોકાણકાર તરીકેના ગુણો અપનાવવાની અને નાણાકીય આઝાદી પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લઈ એક અંગત સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધીમાં 11,000થી અધિક રોકાણકારોએ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યાં છે અને તેને વિવિધ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
મહાલિંગમે વધુમાં કહ્યું કે રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતી વખતે નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ અને અન્યોએ પ્રાપ્ત કરેલા અવાસ્તવિક વળતરોની વાતોથી દોરવાવું ન જોઈએ.
બીએસઈ આઈપીએફના વડા ખુશરો બલસારાએ કહ્યું કે સેબીએ તાજેતરમાં વિવિધ પગલાં દાખલ કર્યાં છે, જેવાં કે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ્સ ખોલવા માટે ઈ-કેવાયસી, માર્જિન માટેની પ્લેજ યંત્રણા, ક્લિયરિંગ કોર્પોરેશન્સ વચ્ચે ઈન્ટરઓપરેટિબિલિટી, આઈપીઓમાં રોકાણકારોનાં નાણાં બ્લોક થવાનો સમય 6-દિવસથી ઘટાડીને ચાર-દિવસ કર્યો વગેરેને કારણે મૂડીબજારમાં બહુ મોટી સંખ્યામાં લોકોમાં પ્રવેશી રહ્યા છે અને તેથી દેશની બજાર માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ વિશ્વની પાંચમા ક્રમાંકની સૌથી મોટી બજાર બની ગઈ છે.