બીએસઈનો વહેંચણીપાત્ર ક્વૉર્ટરલી કન્સોલિડેટેડ ચોખ્ખો-નફો ૩૯% વધ્યો

મુંબઈઃ બીએસઈ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા ક્વૉર્ટર માટેનાં અનઓડિટેડ પરિણામો જાહેર કર્યાં છે, જે મુજબ સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે શેરહોલ્ડરોને વહેંચણી કરવાને પાત્ર કન્સોલિડેટેડ ચોખ્ખો નફો પાછલા વર્ષના સમાન ગાળાના રૂ. ૪૬.૮૧ કરોડથી ૩૯ ટકા વધીને રૂ. ૬૫.૧૪ કરોડ થયો છે.

વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેનો કોન્સોલિડેટેડ ઓપરેટિંગ પ્રોફિટ રૂ. ૧૩.૧૫ કરોડથી ૩૦૪ ટકા વધીને રૂ. ૫૩.૧૬ કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પાછલા વર્ષના સમાન ગાળાના ૧૦ ટકાથી વધીને ૨૮ ટકા થયું છે.

બીએસઈની નાણાકીય કામગીરી વિશે બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે કે બીએસઈ પોતાની કામગીરીને સતત ઉત્કૃષ્ટ બનાવી રહ્યું છે એટલે નાણાકીય પરિણામો ગત થોડાં વર્ષ પૂર્વેની તુલનાએ અધિક સારાં છે. અમને ગર્વ છે કે અમે સંપૂર્ણ માલિકીની પેટા કંપની – બીએસઈ ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ સુપરવિઝન લિમિટેડની સ્થાપના કરી છે, જે નિયમન અનુસારની કાર્યપ્રણાલી બીએસઈમાં અમલમાં મૂકે છે.

એક્સચેન્જના સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થયેલા ઓર્ડરોમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૯૯ ટકાનો વધારો થયો છે. એ જ પ્રમાણે ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગયા વર્ષના સમાન ગાળાના રૂ. ૩,૬૮૫ કરોડથી ૫૩ ટકા વધીને સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે રૂ. ૫,૬૨૨ કરોડ થયું છે. નોંધનીય રીતે ઈક્વિટી સેગમેન્ટમાં બીએસઈનો બજારહિસ્સો ગયા વર્ષના ૫.૯ ટકાની સામે આ વર્ષે સપ્ટેમ્બરના અંતે ૮ ટકા થયો છે.

સમીક્ષા હેઠળના ઉક્ત સમયગાળા દરમિયાન ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર ૭૮.૪૪૨ કરોડ રૂપિયાથી ૨૨૭ ટકા વધીને ૨,૫૬,૨૧૪ કરોડ રૂપિયા થયું છે, જ્યારે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તેમાં ૪.૮ ટકાનો અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ૨૨ ટકાનો વધારો થયો છે.

બીએસઈએ પ્રમોટ કરેલા ઇન્ટરનૅશનલ એક્સચેન્જ – ઇન્ડિયા આઇએનએક્સમાં સરેરાશ દૈનિક ટર્નઓવર પાછલા વર્ષના સમાન ગાળાના ૩.૦૯ અબજ ડૉલરની તુલનાએ આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૨૭૮ ટકા વધીને ૧૧.૬૭ અબજ ડૉલર થયું છે. આ એક્સચેન્જ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ૮૪ ટકા અને બોન્ડ લિસ્ટિંગમાં ૯૨ ટકા બજારહિસ્સો ધરાવે છે.