ભારતી એરટેલ માર્ચ 2020 સુધીમાં સમગ્ર દેશમાં તેની 3જી સર્વિસ બંધ કરી દેશે

નવી દિલ્હી- દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ એ કહ્યું છે કે, તે માર્ચ 2020 સુધીમાં સમગ્ર દેશમાં તેમની 3જી સેવા બંધ કરી દેશે. કંપની તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 3જી સેવાઓ બંધ કરવાની શરુઆત કોલકાત્તાથી થઈ ચૂકી છે.

હાલમાં કંપનીનું ફોકસ વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) વધારવા પર છે. જોકે, કંપનીએ કહ્યું છે કે, સેક્ટરની વ્યવહારિકતાને કારણે લાંબા ગાળામાં ટેરિફ વધારવાની જરૂર છે.

ભારતી એરટેલ સીઈઓ (ભારત અને સાઉથ એશિયા) ગોપાલ વિઠ્ઠલે એક નિવેદનમાં કહ્યું કે, કંપની સપ્ટેમ્બર સુધીમાં દેશના 6થી 7 સર્કલમાં 3જી સેવા બંધ કરી દેશે. ત્યારબાદ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન સમગ્ર દેશમાં 3જી સેવા બંધ કરી દેવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, સંભવત: એપ્રિલ 2020થી અમે 2જીમાંથી 4જી સ્પેક્ટ્રમ પર ટ્રાન્સફર થઈ જશું. ત્યારબાદ અમે માત્ર 2જી અને 4જી સેવાઓ પ્રોવાઈડ કરીશું.

કંપનીએ કહ્યું કે, તેમની પાસે 84 લાખ 4જી અને 12 કરોડ ડેટા ઉપયોગ કરનારા ગ્રાહકો છે. ભારતી એરટેલના ગ્રાહકોનો ડેટા ખર્ચ દર મહિને 11 જીબીથી વધુ થઈ ગઈ છે. કંપનીનું કહેવું છે કે, તેમના 900 મેગાહર્ટઝથી લઈને 2100 હર્ટઝના સમગ્ર 3જી નેટવર્કને 4જી નેટવર્કમાં બદલી રહ્યાં છીએ. આ ફેરફાર બાદ કંપનીનું ઈન્ડોર કવરેજ વધુ મજબૂત બનશે.