મંદીનો માર! ઘટતાં વેચાણથી પરેશાન મારુતિ સુઝૂકીએ 6 ટકા કર્મચારીઓ છૂટાં કર્યાં

નવી દિલ્હી- લથડતી જતી અર્થવ્યવસ્થાની અસર ભારતની સોથી મોટી ઓટો મોબાઈલ કંપની મારુતિ સુઝૂકી પર પણ જોવા મળી છે. ઓટો સેક્ટરમાં હાલમાં મંદ ગતી અને ઓછા વેચાણને કારણે મારુતિએ  કામચલાઉ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. દેશની વ્હિકલ ઈન્ડસ્ટ્રીના કુલ ઉત્પાદનમાં મારુતિ સુઝૂકી અડધાથી વધારે હિસ્સો ધરાવે છે. જો કે, અત્યારે કંપની દાયકાની સૌથી ખતરનાક મંદીનો સામનો કરી રહી છે.

હાલ વ્હીકલના વેચાણ તીવ્ર ઘટાડો આવ્યો છે જો કે સ્વિફ્ટના વેચાણમાં સુધારો આવ્યો છે. ૩૦ જૂનના અંત સુધીમાં મારુતિ સુઝૂકીના કુલ કાયમી કર્મચારીઓની સંખ્યા 18,845 હતી જે અગાઉના વર્ષના સમકક્ષ ગાળાની તુલનાએ 6 ટકાનો ઘટાડો દર્શાવે છે. સૂત્રોના અનુસાર, મંદીને કારણે કંપનીઓ હાલ નવા કર્મચારીઓની ભરતીનું કાર્ય બંધ કરી દીધુ છે. કંપનીમાં છટણીની પ્રક્રિયા પ્રથમ વખત થઈ રહી હોવાનું માનવામાં આવે છે.

જુલાઈ ર૦૧૯માં ભારતમાં જોબલેસ રેટ વધીને ૭.પ૧ ટકા થવાની શક્યતા છે જ્યારે અગાઉ જોબલેસ રેટ પ.૬૬ ટકા હતો. મારુતિ સુઝૂકી કામચલાઉ કર્મચારીઓની છટણી કરી રહી છે જ્યારે કાયમી કર્મચારીઓની છટણી કરવાની હાલ કોઈપણ યોજના નથી. ભારતમાં વેચાલી દરેક પેસેન્જર વ્હીકલમાં બીજું વ્હીકલ મારુતિ સુઝૂકીનું હોય છે.

મારુતિ સુઝૂકીનું જુલાઈમાં વેચાણ 33.5 ટકા ઘટીને 1,09,265 વ્હીકલ પર આવી ગયું હતું. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે જણાવ્યુ કે, હાલ મંદી હોવાને કારણે કાર્યબળમાં ઘટાડો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કંપની જે વર્કફોર્સમાં ઘટાડો કરી રહી છે તે કામચલાઉ ધોરણે કાર્ય કરી રહ્યા છે તેથી કંપની તેને લઈને કોઈપણ માહિતી આપવા બંધાયેલી નથી. મહત્વનું છે કે, મારૂતિ સુઝુકી નવી કારની સાથે સાથે જૂની કારનું પણ વેચાણ કરે છે.