નવી દિલ્હી- નવેમ્બર 2016માં નોટબંધી બાદ છેલ્લાં બે વર્ષમાં ભારતમાં 200 અને 2000ની નવી નોટ ચલણમાં આવી હતી. એક જાણીતી સમાચારસંસ્થાને મળેલી જાણકારી અનુસાર નોટબંધી પહેલાં જ મોદી સરકારે 11 રૂપિયા અને 21 રૂપિયાની નવી નોટ શરુ કરવાનો વિચાર કર્યો હતો, મહત્વનું છે કે આ રકમ ભારતમાં શકનના રૂપમાં અથવા તો રોકડ ઉપહાર આપવા માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ધાર્મિક દાનમાં પણ તેનો ઉપયોગ થાય છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ પર નાણાં મંત્રાલય અને આરબીઆઈ વચ્ચે સક્રિય રૂપે ચર્ચા થઈ હતી, તે સમયે રાજીવ મહર્ષિ નાણાં સચિવ હતાં. પરંતુ ત્યારબાદ આ વિચારને અંતે દફન કરી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરકાર નોટબંધી પર વધુ કેન્દ્રીત હતી. સમાચાર પત્રને મળેલી જાણકારી અનુસાર આરબીઆઈએ વાંધો ઉઠાવ્યો હતો, કે આ નોટોને કાયદેસર ચલણ તરીકે ગણવામાં આવી શકશે નહીં
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર નવા ચલણની શરુઆત માટે ઘણા પ્રસ્તાવો આવી રહ્યાં છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, આ તમામ પ્રસ્તાવોનું પાલન કરવામાં આવે. આ એક પ્રક્રિયાનો હિસ્સો છે.
અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય બેંક તેમના સંશોધનના આધારે દરેક ચલણના જથ્થાનું આંકલન કરે છે. જેટલી જરૂરીયાત હોય છે, તેના અનુસાર સિક્કા અને નોટોની છાપણી થાય છે. ઉપયોગ અને મૂલ્યને આધારે ચલણી નોટને પરત પણ લેવામાં આવી છે.
ઉદાહરણ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, અને 25 પૈસાની કિંમતના સિક્કાને પરત લેવામાં આવ્યાં છે. જ્યારે આરબીઆઈએ 1938થી 1954 દરમિયાન 10,000 રૂપિયાની નોટ પણ ચલણમાં મુકી હતી.
મહત્વનું છે કે, આજે નોટબંધીને 2 વર્ષ કરતા વધુ સમય વિત્યો હોવા છતાં પણ દેશના કુલ એટીએમ માંથી અડધા ભાગના એટીએમમાંથી 200 રૂપિયાની નોટ નથી નિકળી શકતી.