કેશ ટ્રાન્ઝેક્શનમાં રાખો આટલી તકેદારી, કૂદકેભૂસકે વધી રહ્યાં છે બેંક ફ્રોડના કેસ

નવી દિલ્હીઃ સરકાર દેશમાં ડિજિટલ લેવડ-દેવડ એટલે કે કેશલેસ ટ્રાંઝેક્શનને વેગ આપી રહી છે. પરંતુ રિઝર્વ બેંકના આંકડાઓ આપને ચિંતામાં મૂકી શકે છે. ડિજિટલ ટ્રાંઝેક્શનને લઈને લોકો સાથે વર્ષ 2018-19માં 71,500 કરોડ રુપિયાનું બેંકિંગ ફ્રોડ થયું છે.

રીઝર્વ બેંકે કહ્યું છે કે આ સમયગાળામાં બેંક ફ્રોડના 6800થી વધારે મામલાઓ પ્રકાશમાં આવ્યાં છે. વર્ષ 2017-18માં બેંક ફ્રોડના 5916 મામલાઓ સામે આવ્યા હતા. આમાં 41,167 કરોડ રુપિયાથી વધારેનું ફ્રોડ થયું હતું. ગત વર્ષે અધિસૂચિત કોમર્શિયલ બેંકમાં ફ્રોડની આ ઘટનાઓ સામે આવી હતી. જો ફ્રોડની રકમના હિસાબથી વાત કરીએ તો ગત નાણાકીય વર્ષમાં આ 73 ટકા વધ્યું છે.


છેલ્લા 11 વર્ષમાં બેંક ફ્રોડમાં કુલ 53,334 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે આના દ્વારા 2.05 લાખ કરોડ રુપિયાનું ફ્રોડ થયું છે. વર્ષ 2008-09 માં બેંક ફ્રોડના 4372 મામલાઓ સામે આવ્યા હતા, આમાં 1860 કરોડ રુપિયાથી વધારેનું ફ્રોડ થયું હતું. વર્ષ 2009-10 માં બેંક ફ્રોડના 4669 મામલામાં આશરે 2 હજાર કરોડ રુપિયાનું ફ્રોડ થયું હતું. વાસ્તવમાં સમય જતા બેંક ફ્રોડની સંખ્યા અને તેની રકમમાં વધારો થઈ રહ્યો છે.

વર્ષ 2015-16માં બેંક ફ્રોડના 4693 મામલાઓ સામે આવ્યાં હતાં, આમાં 18,698 કરોડ રુપિયાથી વધારેનું ફ્રોડ થયું હતું. વર્ષ 2016-17માં બેંક ફ્રોડના 5076 મામલાઓ બહાર આવ્યાં હતાં, આમાં 23,984 કરોડ રુપિયાથી વધારેનું ફ્રોડ થયું હતું.

વર્ષ 2021 સુધીમાં દેશમાં ડિજિટલ લેવડ-દેવડ ચાર ગણા સુધી વધવાની અપેક્ષા છે, ત્યારે ડિજિટલ લેવડદેવડ ગ્રાહકો માટે લાભદાયક હોવાની સાથે જ તેમના માટે ખતરો પણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી એવા ઘણાં મામલાઓ સામે આવ્યાં છે કે જેનાથી ખ્યાલ આવે છે કે નેટ બેંકિંગ દ્વારા છેતરપિંડી કરનારા લોકો આપના ખાતાં સુધી સરળતાથી પહોંચી જાય છે.

કેવી રીતે કરશો સુરક્ષિત ઓનલાઈન નેટ બેંકિંગ…

  • ઓનલાઈન ફ્રોડથી બચવા માટે તમારે બેંકિંગનો ઉપયોગ કોઈ અસુરક્ષિત વાઈફાઈ નેટવર્કથી ન કરવો
  • નેટ બેંકિંગ માટે તમારે હંમેશા વેરિફાઈડ અથવા ભરોસાપાત્ર બ્રાઉઝરનો જ ઉપયોગ કરવો જોઈએ.
  • ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સૌથી જરુરી છે કે આપનો પાસવર્ડ સુરક્ષિત રહે.
  • પોતાના નેટ બેંકિંગનો પાસવર્ડ, ઓટીપી, પિન કાર્ડ વેરિફિકેશન કોડ અને યૂપીઆઈ પિનને કોઈની સાથે શેર ન કરશો.
  • કોઈ ફિશિંગ ઈ-મેઈલ પર ક્યારેય ક્લિક ન કરો અને ઓનલાઈન ચૂકવણી માટે હંમેશા ઓટીપીનો જ વિકલ્પ પસંદ કરો.

 

ઓનલાઈન બેંકિગ વખતે સ્વયં જ જાગૃતિ રાખી વ્યવહાર કરવાથી મોટાભાગે નિરવરોધ સારી સુવિધાનો ઉપયોગ કરી શકાશે.