નવી દિલ્હી- દેશની સૌથી મોટી ડ્રાઈ સેલ બેટરી બનાવતી કંપની એવરરેડી (Eveready) હવે વેચાઈ જશે. ખૂબ જ જાણીતી આ કંપની 100 વર્ષ જૂની છે. એવરરેડીના વેચાણ માટે હાલ બિડ મગાવવામાં આવ્યાં છે. એવરરેડીના પ્રમોટર બી.એમ ખૈતાન પાસે કંપનીના 45 ટકા શેર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે વેચાણ પ્રક્રિયાની જવાબદારી માટે કોટક મહિન્દ્રા બેંકને પસંદ કરી છે. ખૈતાન તેમના 45 ટકા હિસ્સામાંથી 30 ટકા શેરોનું વેચાણ કરે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પ્રોડક્ટના વેચાણમાં આવેલી નરમાઈને પગલે ખૈતાન પરિવારે એવરરેડીને વેચવાનો નિર્ણય કર્યો છે. વર્તમાનમાં કંપનીની માર્કેટ વેલ્યૂ 1350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. એવરરેડી 1 અબજ 20 કરોડથી વધુ બેટરી અને 2.5 કરોડ ફ્લેશ લાઈટનું દર વર્ષે વેચાણ કરી છે. આ ગ્રુપની અન્ય કંપનીઓમાં ચાનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી સૌથી મોટી કંપની મેકલિયાડ રસેલ, કિલબર્ન એન્જિનિયરિંગ અને મેકનેલી ભારત સહિતની અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.
1990માં ખૈતાન પરિવારે ઘણા સંઘર્ષ પછી આ કંપનીની માલિકી પ્રાપ્ત કરી હતી. તે સમયે બોમ્બે ડાઈંગે નસલી વાડિયા સાથે કંપનીને લઈને લડાઈ શરુ કરી હતી. અંતે 300 કરોડ રૂપિયામાં ખૈતાન પરિવારે એવરરેડીને પોતાને નામે કરી હતી. 1905થી કંપની પર યૂનિયન કાર્બાઈડ ઈન્ડિયાની માલિકીનો હક્ક રહેલો હતો.
ભોપાલમાં 34 વર્ષ પહેલા યૂનિયન કાર્બાઈડ કંપનીના કારખાનામાંથી એક ઝેરીલી ગેસ લીકેજ થઈ હતી. જેથી 2 ડિસેમ્બરની રાતે 1984માં ભયાનક ઘટના ઘટી હતી. આ ઘટનામાં લગભગ 15000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતાં. તો બીજી ઘટનામાં બચેલા લોકો શારીરિક અપંગતાથી લઈને અંધાપાના શિકાર બન્યા હતાં. અમેરિકન કંપની યૂનિયન કાર્બાઈડના પ્રમુખ વોરેન એન્ડરસન મૃત્યુ પામ્યા છે. વોરેનને ભોપાલ ગેસ લીકેજ મામલે ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.