નવી દિલ્હી– જમ્મુ-કશ્મીરમાં આર્ટિકલ 370ને દૂર કરવાનો મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણયનું દેશભરમાં સ્વાગત કરવામાં આવ્યું ત્યારે દેશની રિયલ એસ્ટેટ કંપનીઓને પણ જમ્મુ-કશ્મીરમાં રોકાણને લઈને મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ જ કારણ છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં કેન્દ્રના આ નિર્ણયને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
NAREDCO ના નેશનલ ચેરમેન ડો. નિરંજન હીરાનંદાનીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરતા સરકારના આ નિર્ણયને ઐતિહાસિક પગલુ ગણાવ્યું. હીરાનંદાનીના જણાવ્યા અનુસાર આર્ટિકલ 370 દૂર થયા બાદ જમ્મુ-કશ્મીર અને લેહ લદાખમાં વિકાસની નવી સંભાવનાઓ વિકસીત થશે, જેના કારણે ત્યાં ઈકોનોમિક ગ્રોથને વેગ મળશે. સાથે જ સરકારના આ પગલાથી દેશના અન્ય વિસ્તારોની મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ રોકાણ કરી શકશે.
આનાથી ન માત્ર દેશ આર્થિક રીતે વેગવંતો બનશે પરંતુ અહીં રહેતા સ્થાનિક લોકોને પણ આર્થિક રીતે ફાયદો થશે. આ ઉપરાંત અહીં મોટા પ્રમાણમાં લોકોને રોજગાર પણ મળશે. જેના કારણે દેશના જીડીપી ગ્રોથમાં વૃદ્ધિ થશે.
મહત્વનું છે કે, આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કશ્મીર રાજ્યને કેટલાક વિશેષ અધિકાર મળેલા છે. જેના હેઠળ જમ્મુ-કશ્મીરની બહારના કોઈ પણ વ્યક્તિ ત્યાં રોકાણ નથી કરી શકતો અને તેમને વ્યાપાર કરવાનો અધિકાર પણ નથી પ્રાપ્ત થતો. આ જ કારણોસર જમ્મુ-કશ્મીરનો એક મોટો ભાગ વિકાસની ગતિવિધિઓથી વંચિત છે. જોકે, હવે રોકાણની નવી રાહ ખુલ્યા બાદ ઉદ્યોગ જગતને નવી આશા જન્મી છે.