જમ્મુ-કશ્મીરમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્રએ એક મહત્ત્વપૂર્ણ પગલામાં વિવિધ કાયદામાં સંશોધન કરીને જમ્મુ અને કાશ્મીરની બહારના લોકો માટે કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)માં જમીન ખરીદવાનો માર્ગ મોકળો કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા એક નવું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જોકે હજી ખેતીની જમીનને લઈને પ્રતિબંધ જારી રહેશે. MHA જાહેર કર્યું છે કે જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠનને લીધે (કેન્દ્રીય કાયદાઓના સ્વીકારવાને લીધે) ત્રીજા આદેશ, 2020 અનુસાર કેન્દ્રએ રાજ્યના 26 કાયદાઓને નાબૂદ કર્યા છે.

એક ગેઝેટના નોટિફિકેશનમાં કેન્દ્રએ જમ્મુ એન્ડ કાશ્મીર ડેવલપમેન્ટ એક્ટની કલમ 17 –રાજ્યના સ્થાનિક રહેવાસીઓનું વાક્ય કાઢી નાખ્યું છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીનથી સંબંધિત છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A દૂર કર્યા પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં બિનરહેવાસી વ્યક્તિ સ્થાયી મિલકત ખરીદી નહોતી શકતી. જોકે તાજા બદલાવ પછી બિનનિવાસી હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન ખરીદી શકશે. લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પત્રકારોને કહ્યું હતું કે આ સુધારો કૃષિની જમીનને બિન ખેતીમાં તબદિલ કરવાની મંજૂરી નથી આપતો.

ભૂતપૂર્વ એડવોકેટ જનરલ મોહમ્મદ ઇશાક કાદરીએ કહ્યું હતું કે આ સુધારાથી  જમ્મુ અને કાશ્મીરથી બહારના લોકો પણ રાજ્યમાં જમીન ખરીદી શકશે, હવે બહારની વ્યક્તિ માટે કોઈ કાયદાકીય અડચણ રહી નથી. MHA નોટિફિકેશન તત્કાળ અસરથી લાગુ થશે.

આ નવા સુધારાથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર હવે વેચાણ માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે કાનૂનમાં જે બદલાવ કરવામાં આવ્યો છે, એ સ્વીકાર્ય નથી . તેમણે કહ્યું હતું કે કૃષિ જમીન સિવાયની અન્ય જમીન ખરીદવા માટે સરકારે કોઈ પ્રમાણપત્ર નથી રાખ્યું અથવા કોઈ દસ્તાવેજ પણ જરૂરી નથી રાખ્યો. જે ગરીબ જમીન માલિક છે તેની મુસીબતો વધશે.

કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના સ્થાયી રહેવાસોનો રાજ્યમાં સ્થાયી સંપતિ હાંસલ કરવાનો અને રાખવાનો વિશેષ અધિકાર છીનવી લીધો છે- જે ગેરબંધારણીય રીતે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત છે અને રાજ્ય બહારના લોકોને આવા અધિકાર આપે છે, એમ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેક્લેરેશન (PAGD)ના પ્રવક્તા સજ્જાદ લોને કહ્યું હતું.

આ PADGમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીએમ, સીપીઆઇ, પીપલ્સ કોન્ફરન્સ, અવામની નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ મુવમેન્ટનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]