નવી દિલ્હીઃ એક અહેવાલ અનુસાર, ભારતમાં જે ઉત્પાદનો વેચાય છે એમાંના લગભગ 25-30 ટકા નકલી હોય છે. આમાં, તૈયાર વસ્ત્રો અને FMCG સેક્ટરોમાં ગ્રાહકોને નકલી માલ પકડાવવાની દગાબાજ પ્રવૃત્તિઓ સૌથી વધારે ચાલે છે. તે પછીના ક્રમે ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઉત્પાદનો આવે છે.
ક્રિસિલ અને ઓધેન્ટિકેશન સોલ્યૂશન પ્રોવાઈડર્સ એસોસિએશનના સંયુક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપરલ સેક્ટરમાં 31 ટકા જેટલા પ્રોડક્ટ્સ નકલી હોય છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ અથવા એફએમસીજી સેક્ટરમાં 28 ટકા ઉત્પાદનો નકલી હોય છે. ઓટોમોટિવ ક્ષેત્રમાં આ ટકાવારી 25 ટકા, ફાર્માસ્યુટિકલ્સમાં 20 ટકા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સમાં 17 ટકા, એગ્રોકેમિકલ્સમાં 16 ટકા માલ નકલી હોય છે. કુલ ગ્રાહકોમાંના 27 ટકા જેટલાને ખબર જ નથી હોતી કે તેઓ નકલી માલ ખરીદી રહ્યાં છે. જ્યારે 31 ટકા લોકો એમની ઈચ્છાથી નકલી પ્રોડક્ટ્સ ખરીદે છે.