મુંબઈઃ BSE ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તેના ઘટી રહેલા બજાર હિસ્સાને રોકવા અને તેમાં વધારો કરવા આ ૧૫ મેથી સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સને નવા સ્વરૂપે લોન્ચ કરશે. સેન્સેક્સ અને બેન્ક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ ઘટાડીને વધુ બજાર હિસ્સો અંકે કરવાનો વ્યૂહ BSEએ જાહેર કર્યો છે. આ અંગેની માહિતી આપતાં BSEના મેનેજિંગ ડિરેક્ટર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે આ કવાયતના ભાગરૂપે સેન્સેક્સ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ પંદરથી ઘટાડીને દસની અને બેન્કેક્સની વીસથી ઘટાડીને પંદરની કરવામાં આવશે.
આ ફેરફારનો હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. આને પગલે સેન્સેક્સની કોન્ટ્રેક્ટ સાઇઝ રૂ. છ લાખની રહેશે, જ્યારે નિફ્ટીનો લોટ સાઇઝ અત્યારે રૂ. નવ લાખ છે. BSE પર ઈક્વિટી ફ્યુચર્સમાં કામકાજ કરવા માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ NSEની તુલનાએ શૂન્ય છે, જ્યારે ઈક્વિટી ઓપ્શન્સમાં ચાર્જીસ 90 ટકા ઓછા છે.
એકસપાયરી દિવસમાં મહત્ત્વનો ફેરફાર
હેજિંગ અને ટ્રેડિંગની વિશેષ આવશ્યકતા ધરાવતા ટ્રેડર્સને આકર્શે એવી BSEની અન્ય એક વિશેષતા એ છે કે કોન્ટ્રેક્ટસની સમાપ્તિ ગુરુવારને બદલે શુક્રવારે થશે. આ ઉપરાંત BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બદામ, સ્ટીલ અને અન્ય અનોખી કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ટેકનોલોજીની વિશેષતાનો લાભ
BSE પાસે મજબૂત, સ્થિર અને અતિ ઝડપી ટેકનોલોજી છે. તેની સિસ્ટમ એવી મજબૂત છે કે તે ગમે તેટલા મોટા વોલ્યુમને હેન્ડલ કરી શકે છે. પરિણામે તે નવાં પ્રોડક્ટ્સ ઝડપથી ઓફર કરી શકે છે, પ્રોડક્ટ્સમાં ઈનોવેશન કરી શકે છે અને તેને અનન્ય બનાવી શકે છે. એક્સચેન્જ એવાં એક્સક્લુઝિવ પ્રોડક્ટસ લોન્ચ કરશે, જેના થકી તે અન્ય અગ્રણી એક્સચેન્જથી આગળ વધી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
ટીકસાઇઝ એક પૈસો
BSEએ પહેલી માર્ચથી રૂ.100થી ઓછી કિંમતની સ્ક્રિપ્સની ટિક સાઈઝ ઘટાડીને એક પૈસા કરી છે. આ અગાઉ રૂ.15થી ઓછો ભાવ હોય એવી સ્ક્રિપ્સ માટેની ટીક સાઈઝ એક પૈસો રાખવામાં આવી હતી. આ ફેરફારની અસર એ થઈ છે કે રૂ.100થી ઓછો ભાવ ધરાવતી સ્ક્રિપ્સનું ટર્નઓવર વધીને 14 ટકા થયું છે.
કરન્સી ઓપ્શન્સનો ખર્ચ ઓછો
કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં BSEનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે. કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં આથી છઠ્ઠી માર્ચથી અમે કરન્સી ઓપ્શન્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈક પ્રાઇસ વચ્ચેના ગાળાને ઘટાડીને 10 પૈસા કર્યો છે. આની ધારી અસર પણ થઈ છે. અમે સ્ટ્રાઈક પ્રાઈસ વચ્ચેના ફરકને ઘટાડીને 10 પૈસા કર્યો એટલે માર્ચ મહિનામાં યુએસ ડોલર અને રૂપી વચ્ચેના કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર 64 ટકા થયું છે. BSE પર કરન્સી સેગમેન્ટમાં કામકાજ કરવાનો ખર્ચ NSE કરતાં ઓછો આવે છે, એવું પણ તેમણે ઉમેર્યુ હતું.