મુંબઈ – સસ્તા ભાવે વિમાન પ્રવાસ કરાવતી ગો એરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની તસવીરો દર્શાવતા વિવાદાસ્પદ બોર્ડિંગ પાસ પાછા ખેંચી લીધાં છે.
પોતાને ઈસ્યૂ કરવામાં આવેલા બોર્ડિંગ પાસમાં મોદી અને રૂપાણીનાં ફોટા હોવાનો ઘણા પ્રવાસીઓએ નિર્દેશ કર્યા બાદ ગો એર અને એર ઈન્ડિયા વિવાદમાં સપડાઈ હતી.
લોકસભા ચૂંટણીમાં મતદાનનાં રાઉન્ડની શરૂઆત આડે હવે અમુક જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે આવા બોર્ડિંગ પાસ ચૂંટણીને લગતી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે. આચારસંહિતા આ મહિનાના આરંભથી જ અમલમાં આવી ગઈ છે. આ આચારસંહિતા અનુસાર, સરકાર તેની જાહેરખબરો કરી શકતી નથી.
ગો એરના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમારી એરલાઈને જૂના સ્ટોકમાં રખાયેલા બોર્ડિંગ પાસ ઈસ્યૂ કરીને બેદરકારી દાખવી છે. ચૂંટણીની આચારસંહિતામાંથી ધડો લઈને અમે અમારી એરપોર્ટ ટીમ્સને સૂચના આપી દીધી છે કે એમણે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે આવા જૂના બોર્ડિંગ પાસ ઈસ્યૂ કરવાનું બંધ કરવું.
મોદી-રૂપાણીના ફોટા દર્શાવતો ઈસ્યૂ પાસ સૌપ્રથમ જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. એમણે ટ્વીટમાં લખ્યું હતું કે, હું ગઈ કાલે ગો એરની ફ્લાઈટમાં ગયો હતો અને મને જે બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો એની પર વડા પ્રધાન મોદીનો ફોટો હતો.
વિવાદાસ્પદ બોર્ડિંગ પાસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વખતનાં છે, જેનું આયોજન દર વર્ષે ગુજરાત સરકાર કરતી હોય છે.
આ પહેલાં, સરકાર હસ્તકની એર ઈન્ડિયાને પણ વડા પ્રધાન મોદીની તસવીરવાળા બોર્ડિંગ પાસ પાછા ખેંચી લેવાની ફરજ પડી હતી. એના પાસ વિશેની જાણ પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા શશીકાંતે ટ્વિટર પર કરી હતી.
ગયા અઠવાડિયે ભારતીય રેલવેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતી ટિકિટો પાછી ખેંચી લેવી પડી હતી. એ વિશે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.