આઠ વર્ષ બાદ સૌથી વધારે 78,500 નોકરીઓ આઈટી સેક્ટરમાં મળી

નવી દિલ્હીઃ ભારતની નિર્યાતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા અને સેવા સેક્ટરનું એન્જિન મનાતા આઈટી સેક્ટરમાં આઠ વર્ષ બાદ સારા સંકેતો સામે આવ્યા છે. બેરોજગારીના આરોપો સામે ઝઝૂમી રહેલી કેન્દ્ર સરકાર માટે એ રાહતની વાત છે કે આઈટીની દિગ્ગજ ચાર કંપનીઓએ આ જ વર્ષે 78500 નોકરીઓ આપી છે.

આઈટી કંપનીઓ ઘણા સમયથી કુશળ કર્મચારીઓની કમી સામે ઝઝૂમી રહી છે. એટલે કે મોટી આઈટી કંપનીઓ ભરતી કરવામાં વ્યસ્ત છે. ગત નાણાકીય વર્ષમાં ઓછી નોકરીઓ આપનારી દેશની ટોચની ચાર આઈટી કંપનીઓમાં આ વર્ષે ભરતી આઠ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. આ કંપનીઓએ 78,500 નવી નોકરીઓ આપી છે. આ સેમ્પલ સર્વેમાં ટાટા કન્સલ્ટિંગ સર્વિસીઝ, ઈન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીસ છે. આ કંપનીઓએ સૌથી વધારે ભરતીઓ કરી છે.

સેમ્પલ અનુસાર નાણાકીય વર્ષ 2012-13માં આ કંપનીઓએ 81,722 કર્મચારીઓની ભરતી કરી હતી. નાણાકીય વર્ષ 2013-14થી નાણાકિય વર્ષ 2017-18 સુધી દર વર્ષે કંપનીઓએ કુલ મળીને 70,000થી ઓછા લોકોને નોકરીઓ આપી હતી. જ્યારે આ વર્ષે સૌથી વધારે નોકરીઓ આપવામાં આવી છે. નવી ભરતી એ વાતનું પ્રતીક છે કે આ સેક્ટરમાં તેજી પાછી આવી છે.

ચાર કંપનીઓનો કુલ કર્મચારી આધાર માર્ચ 2019ના અંતમાં 9.6 લાખ હતો, જે એક વર્ષ પહેલાની તુલનામાં 8.9 ટકા વધારે છે. TCS ની આ સેમ્પલની કુલ સંખ્યામાં 44 ટકા કર્મચારીઓની ભાગીદારી રહી. ત્યારબાદ ઈન્ફોસિસનો નંબર આવે છે. વિપ્રો 17.8 ટકા સાથે ત્રીજા નંબર પર હતી જ્યારે આ સેમ્પલમાં એચસીએલ ટેકની ભાગીદારી 14.3 ટકા રહી.