ડીટીએચ વપરાશકર્તાઓને ફેરફારનો કોઈ લાભ ન થયો, ગ્રાહકો આમ છેતરાયાં

નવી દિલ્હીઃ  ડીટીએચ સેવા માટે ટ્રાઈએ ટેરિફને લગતા નિર્દેશ આપ્યાં હોવા છતાં પણ ગ્રાહકોએ પહેલાંથી જ લાંબા ગાળાના પેક ખરીદ્યા હતાં, ત્યારે હવે તેમને છેતરાયાં હોવાનો અહેસાસ થાય છે. ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પેકેજ ખરીદનારા ગ્રાહકોને ટેરિફના ફેરફારનો લાભ થયો નથી. ટ્રાઇએ ફેબ્રુઆરીમાં નવા ટેરિફ લાગુ કર્યા હતાં.

ઘણા ગ્રાહકો માનતાં હતાં કે તેમની હાલની ટર્મ પૂરી થાય ત્યાં સુધી તેમણે તેમની ફેવરિટ ટીવી ચેનલ માટે વધારાની રકમ નહીં ચૂકવવી પડે. પરંતુ હવે તેઓ ફસાઈ ગયાં છે કારણ કે જે ગ્રાહકોએ પોતાની ચેનલ્સ સિલેક્ટ કરીને આપી ન હતી તેમના કોન્ટ્રાક્ટ ડીટીએચ ઓપરેટર્સે રદ કરી નાખ્યાં છે.ટ્રાઇના સેક્રેટરી એસ કે ગુપ્તાએ કહ્યું કે, ગ્રાહકોએ ભોગવવાનું આવ્યું છે. ડીટીએચ પ્લેયર્સે સબસ્ક્રાઇબર્સને પહેલેથી જણાવવાની જરૂર હતી કે તેમના પ્લાનમાં ફેરફાર થવાની શક્યતા છે. તેમને ખબર હતી કે ચોક્કસ તારીખે ટેરિફ ઓર્ડર લાગુ થશે. તેમણે આ અંગે સ્પષ્ટતા મૂકવાની જરૂર હતી.

ટ્રાઇના સ્રોતે જણાવ્યું કે ઘણા ડીટીએચ ઓપરેટર્સ સામે હજારો ગ્રાહકોની ફરિયાદો આવી છે. તેમાં ટાટા સ્કાય, સન ડાયરેક્ટ અને ઇન્ડિપેન્ડન્ટ ટીવી (અગાઉની રિલાયન્સ ડિજિટલ) સામેલ છે. ટ્રાઇએ પહેલી મેના રોજ ડીટીએચ ઓપરેટર્સને સૂચના આપી હતી કે ગ્રાહકે પોતાની રીતે ચેનલો પસંદ કરી ન હોય તો લોંગ ડ્યુરેશન પેકને જાળવવામાં આવે. બુધવારે ટાટા સ્કાય ટ્રાઇના આ ઓર્ડર સામે દિલ્હી હાઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવી છે.  એક ડીટીએચ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે કહ્યું કે, “સમસ્યા ઘણી જટિલ છે. એક બાજુ ટ્રાઇએ તમામ ગ્રાહકોને નવી સિસ્ટમમાં માઇગ્રેટ થવા અથવા હાલના પેકેજના આધારે બેસ્ટ પ્લાન પસંદ કરવા જણાવ્યું હતું. પરંતુ તેનો ઉગ્ર વિરોધ થયા બાદ તે હવે એલડીપીને અનુસરવા કહે છે. તેના કારણે ગૂંચવણ વધશે.”

જોકે, આ એક્ઝિક્યુટિવે એવું જણાવ્યું ન હતું કે ઉદ્યોગને પહેલેથી નવા ટેરિફ ઓર્ડરની ખબર હતી. તેમાં ગ્રાહકોએ જે ચેનલ જોવી હોય તેનાં નાણાં ચૂકવવાનાં હોય છે. નવા બ્રોડકાસ્ટ ફ્રેમવર્કથી અગાઉનું રેવન્યુ શેરિંગ મોડલ સમાપ્ત થયું છે જે ડીટીએચ પ્લેયર્સ અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે હતું. તેમાં સમાન ભાવે તેઓ 200થી 300 ચેનલ્સ દેખાડી શકતાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]