નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવા માટે દેશનાં કેટલાંક રાજ્યોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવાનો પ્રારંભ થયો છે, પણ રિઝર્વ બેન્કના ગવર્નર ડો. શક્તિકાંત દાસે આ વિશે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવાથી માગ પર વિપરીત અસર થશે. ચાલુ નાણાકીય વર્ષની પહેલી ધિરાણ નીતિની સમીક્ષાના નિર્ણયોની ચર્ચા કરતાં દાસે કહ્યું હતું કે રોગચાળાની બીજી લહેરે અનિશ્ચિતતા વધારી દીધી છે. જેનાથી વધુ સતર્ક રહેવાનું છે, કેમ કેટલાંક રાજ્યોમાં સ્થાનિક સ્તરે લગાવવામાં આવેલા લોકડાઉનથી માગ પર વિપરીત અસર થવાની આશંકા છે. આ સાથે આર્થિક કામકાજ સામાન્ય થવા પર પણ અસર થશે.
ગયા નાણાકીય વર્ષે રસીકરણને કારણે જે આશા બની હતી, તે કોરોના કેસોમા ઉછાળો આવતાં પ્રભાવિત થઈ છે. MPCમાં પણ બધાનો મત હતો કે રેપો રેટ યથાવત્ રાખવામાં આવે.
બધા એકમતે સહમત હતા કે અર્થતંત્રને મજબૂત કરવા માટે કોવિડ-19ની અસરોને ખાળવાની જરૂર છે અને ત્યાં સુધી વ્યાજદરો માટે નરમ વલણ અખત્યાર રાખવામાં આવશે. હાલ અમારી પ્રાથમિકતા કોરોનાને પ્રસરતા અટકાવવાની સાથે અર્થતંત્રને પાટે ચઢાવવાની છે.
રિઝર્વ બેન્કે બજારમાં પર્યાપ્ત તરલતા જાળવવા માટે કેટલીક ઘોષણાઓ કરી હતી. બજારમાં એટલું ફંડ હંમેશાં રહેશે, જેનાથી બધાની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા અને ઉદ્યોગોને લોન આપ્યા પછી પણ સિસ્ટમમાં કેટલીક વધારાનું ફંડ રહેશે.
આ સાથે નાણાકીય સંસ્થાઓને રૂ. 50,000 કરોડની વધારાની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યોને પણ રોકડપ્રવાહ જાળવવા માટે ફંડની મર્યાદા 46 ટકા વધારીને રૂ. 47,010 કરવામાં આવી છે.
કોરોનાના કેસો વધતાં રાજ્યો માટે વધારાના WAMA (વેજ એન્ડ મિન્સ વ્યવસ્થા) કરવામાં આવી છે. આ સમયગાળો છ મહિના વધારવામાં આવી છે અને જરૂરિયાત હોવા પર એમાં વધારાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. બજારમાં તરલતા બનાની રાખવા માટે રિઝર્વ બેન્કે પહેલા ત્રિમાસિકમાં રૂ. એક લાખ કરોડનાં બોન્ડ ખરીદવાની જાહેરાત કરી છે.
