ગ્રાન્ટ થોર્નટન કરશે અદાણી ગ્રુપનું સ્વતંત્ર ઓડિટ

મુંબઈઃ પોતાની કંપનીઓના શેર અને બોન્ડ્સને જેને કારણે ફટકો પડ્યો છે તે અમેરિકાની ફોરેન્સિક નાણાકીય સંશોધન કંપની અને શોર્ટ-સેલર હિન્ડેનબર્ગના આક્ષેપોને રદિયો આપવાના પ્રયાસરૂપે અદાણી ગ્રુપે તેની કેટલીક કંપનીઓનું સ્વતંત્ર રીતે ઓડિટિંગ કરાવવા માટે એકાઉન્ટિંગ કંપની ગ્રાન્ટ થોર્નટનને રોકી હોવાના અહેવાલો છે.

હિન્ડેનબર્ગે ગઈ 24 જાન્યુઆરીએ જાહેર કરેલા તેના તપાસ અહેવાલને પગલે પોતાનો બચાવ કરવાના પ્રથમ મહત્ત્વના પગલા તરીકે અદાણી ગ્રુપે નિષ્પક્ષ ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. હિન્ડેનબર્ગે તેના અહેવાલમાં અદાણી ગ્રુપ ઉપર એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. તેનો દાવો છે કે અદાણી ગ્રુપની કંપનીઓએ અયોગ્ય રીતે ઓફશોર ટેક્સ હેવન્સનો ઉપયોગ કર્યો હતો જેને કારણે તેમના શેર ખૂબ ઉંચકાયા હતા.