અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI)નો ઉત્પાદન સાથે સંકળાયેલો સોલર પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે AGEL આઠ ગિગાવોટની ક્ષમતાના સોલર પ્રોજેક્ટસને વિકસાવવાની સાથે બે ગિગાવોટ વધારાના સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાની સ્થાપના કરવાની જવાબદારી કંપનીને સોંપવામાં આવી છે. આ આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ દ્વારા કુલ રૂ. 45,000 કરોડ (છ અબજ ડોલર)નું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ થકી ચાર લાખ લોકોને સીધી અને આડકતરી રોજગારી પ્રાપ્ત થશે. વળી, આ પ્રોજેક્ટ દરમ્યાન 900 મિલિયન (90 કરોડ) ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું પેદા થશે.
કંપનીની $15 અબજના મૂડીરોકાણની યોજના
આ પ્રોજેક્ટ પ્રાપ્ત થવાથી AGEL મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અથવા તો કરાર હેઠળ 15 ગિગાવોટની ક્ષમતા પ્રાપ્ત કરશે. આ ઉપરાંત કંપની 2025 સુધીમાં વિશ્વમાં 25,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની નેમ ધરાવે છે. કંપની આગામી પાંચ વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ. 1,12,000 કરોડ ($15 અબજ)નું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે.
અદાણી જૂથનું રાષ્ટ્ર નિર્માણનું સપનું
આ પ્રોજેક્ટ હાંસલ કરવા અંગે પ્રતિક્રિયા આપતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી જણાવ્યું છે કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ સીમાચિહન પ્રોજેક્ટ માટે અમારી પસંદગી કરીને અમારું સન્માન કર્યું છે. રોજગારીનું સર્જન અને કાર્બનમુક્તિ એ બંને સમાંતર ચાલતા ઉદ્દેશ છે. ભારતે વર્ષ 2015માં પેરિસમાં યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે બદલાવની આગેવાની લઈને નિષ્ઠા વ્યક્ત કરી હતી ને COPની કટિબદ્ધતાનું પાલન કરનાર વિશ્વનાં આઠ દેશોની યાદીમાં અગ્રણી સ્થાને છે. આ કરાર દેશના જળવાયુ પરિવર્તનના વચનને સાકાર કરવામાં તેમ જ રાષ્ટ્રના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં એક મહત્ત્વનું પગલું બની રહેશે. અદાણી જૂથનું રાષ્ટ્ર નિર્માણનું સપનું સાકાર કરવામાં પણ એ વધુ એક પગલું બની રહેશે.
કંપની પાંચ વર્ષમાં આઠ ગિગાવોટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે
આ પ્રોજેક્ટને આધારે કંપની દ્વારા આઠ ગિગાવોટનો સોલર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અમલ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. આમાં પહેલા બે ગિગાવોટની નિર્માણક્ષમતા 2022 સુધીમાં હાંસલ કરી થશે અને વાર્ષિક બે ગિગાવોટના વધારાની સાથે બાકીની છ ગિગાવોટની ક્ષમતા 2025 સુધીમાં સાકાર કરવામાં આવશે.
અદાણી ગ્રુપ વિશે જાણવા જેવું
અદાણી જૂથ એ ટોચની છ પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓમાં 22 અબજ ડોલરની માર્કેટ કેપિટલ સાથેનું વૈવિધ્યકરણ ધરાવતુ જૂથ છે. ગ્રુપે વિશ્વ સ્તરના ટ્રાન્સપોર્ટ અને યુટિલિટી પોર્ટફોલિયોનું નિર્માણ કર્યું છે. અમદાવાદમાં વડું મથક ધરાવતું અદાણી જૂથ વીતેલાં વર્ષોમાં ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ અને એનર્જી યુટિલિટી પોર્ટફોલિયો બિઝનેસમાં મોટા પ્રોજેકટ હાથ ધરીને વૈશ્વિક ધોરણ મુજબની ઓ એન્ડ એમ પ્રણાલી સાથે માર્કેટ લીડર તરીકેનુ સ્થાન હાંસલ કર્યુ છે.
અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઉછાળો
અદાણી ગીન એનર્જીને આ પ્રોજેક્ટ મળતાં કંપનીના શેરનો ભાવ 16 માર્ચે જે રૂ. 117.70 હતો, એ ગઈ કાલે રૂ. 400.65ના રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ વધીને રૂ. 626.54 કરોડના સ્તરે પહોંચ્યું હતું.