નવી દિલ્હી– આજના ઈન્ટરનેટના યુગમાં લોકો હવે સામાન્ય રીતે દરેક સવાલના જવાબો શોધવા માટે સૌથી પહેલા ગૂગલની મદદ લે છે. પરંતુ બેંગ્લુરુની એક મહિલાને ગૂગલ સર્ચ પર એક ભૂલની મોટી નુકસાની ભોગવવી પડી છે. મહિલાનું બેંક બેલેન્સ સાફ થઈ ગયું.
આ મહિલાએ ઝોમેટો એપ પર કસ્ટમર કેર નંબર નહીં મળતા તેમણે ગૂગલ સર્ચ કર્યું. ગૂગલ સર્ચ બાદ જે નંબર તેમને મળ્યો, મહિલાએ એ નંબર પર કોલ લગાવી દીધો. રિફંડ રિક્વેસ્ટ આપવાના ચક્કરમાં મહિલાએ તેમના બેંક ખાતાની સંપૂર્ણ માહિતી આપી દીધી અને માત્ર ગણતરીની મિનિટમાં જ તેમનું બેંક બેલેન્સ સફાચટ થઈ ગયું. હક્કીકતમાં ગૂગલ સર્ચ પર મળેલો ઝોમેટો કસ્ટમર કેટ નંબર બોગસ હતો. ઝોમેટો તરફથી આ બોગસ કોલ સેન્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
તો આ તરફ ચેન્નાઈમાં પણ એક મહિલા બોગસ કસ્ટમર કેર નંબરના ચક્કરમાં છેતરપીંડિનો શિકાર થતાં માંડ માંડ બચી હતી. જ્યારે મહિલાએ ભૂલથી બોગર કસ્ટમર કેર નંબર ડાયલ કર્યો ત્યારે છેતરપીંડિ કરનારે મહિલા પાસેથી બેંક એકાઉન્ટનો પાસવર્ડ માગ્યો હતો. મહિલાને ફ્રોડનો શક પડતા તેમણે ખોટો પાસવર્ડ આપ્યો હતો. કોલ ખત્મ થતાંની સાથે જ તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે, ખોટા પાસવર્ડને કારણે 5000 અને 10,000 રૂપિયાના બે ટ્રાન્જેક્શન ફેઈલ થઈ ગયા છે.
આ અગાઉ મુંબઈમાં પણ આ પ્રકારનો જ મામલો સામે આવ્યો હતો. છેતરપીંડિ કરનારે ગૂગલ સર્ચ પર EPFO ઓફિસનો નંબર બલદી નાખ્યો હતો. જ્યારે લોકો આ નંબર પર ફોન કરતા તો તેમના બેંક ખાતાની વિગતો પુછીને ખાતામાંથી પૈસા પડાવી લેવામાં આવતા હતાં. આ પ્રકારની છેતરપીંડિના અનેક લોકો શિકાર થયાં છે.
થોડા મહિના અગાઉ જ અમુલે ગૂગલને એક કાનૂની નોટિસ પાઠવી હતી. અમુલે આરોપ લગાવ્યો હતો કે, સપ્ટેમ્બર 2018 બાદથી ગૂગલ સર્ચ જાહેરાતોનો ઉપયોગ કરતા બોગસ વેબસાઈટ્સ દ્વારા અમુલ પાર્લર અને ડિસ્ટ્રિબ્યૂટર્સને લઈને એક ખોટુ કેમ્પેઈન ચલાવી રહી હતી.
મહત્વનું છે કે, ગૂગલ મેપ અને ગૂગલ પર નંબર ચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. જેને કોઈપણ યૂઝર્સ સરળતાથી કોઈ દુકાન, બેંક અથવા સંસ્થાનો નંબર બદલી શકે છે. જોકે, હવે આ સુવિધાનો ગેર ઉપયોગ થવા લાગ્યો છે. ગૂગલમાંથી મેળવેલી દરેક જાણકારી પર આંખો બંધ કરીને ભરોસો ન કરો, હમેશા એલર્ટ રહો.