મુંબઈ, 19 મે, 2023: એમપીઆઈડી કાયદા હેઠળની વિશેષ અદાલતે ગુરુવારે ઇન્ડિયા ઇન્ફોલાઈન કોમોડિટીઝ લિમિટેડ (આઈઆઈસીએલ)ના ડિરેક્ટર નિર્મલ જૈન, આનંદ રાઠી કોમોડિટીઝ લિમિટેડ (એઆરસીએલ)ના ડિરેક્ટર પ્રીતિ ગુપ્તા અને જિયોજીત કોમટ્રેડ લિમિટેડ (જીસીએલ)ના ડિરેક્ટર શાઇની જ્યોર્જને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં આરોપી બનાવ્યા છે.
ઉક્ત વ્યક્તિઓ ઉપરાંત એઆરસીએલના ડિરેક્ટર રૂપકિશોર ભુતડા, જિયોજીત કોમટ્રેડ લિ.ના ડિરેક્ટર મનીષ ગુપ્તા, એઆરસીએલના પ્રમોટર આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ. અને ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ લિ.ના પ્રમોટર ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (જૂનું નામ આઇઆઇએફએલ)ને પણ એનએસઈએલ કેસમાં આરોપી બનાવાયા છે.
નોંધનીય છે કે અગાઉ, 2018માં મુંબઈ પોલીસની ઈઓડબ્લ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ)એ ત્રણ બ્રોકિંગ કંપનીઓ અને ત્રણ ડિરેક્ટરોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને એમને આરોપી ગણાવ્યા હતા. એણે એ એન્ટિટીઝને એમપીઆઇડી એક્ટ હેઠળ ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે જાહેર કરી હતી.
એનએસઈએલે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ, 1999 (એમપીઆઇડી એક્ટ)ની કલમ 3ની વૈધાનિક જોગવાઈને ધ્યાનમાં રાખીને આ ત્રણ કોમોડિટીઝ બ્રોકિંગ ફર્મ્સના પ્રમોટર્સ-ડિરેક્ટરો વિરુદ્ધના આરોપોની દખલ લેવા અને કાનૂની પ્રક્રિયા શરૂ કરાવવા વિશેષ એમપીઆઇડી કોર્ટને અપીલ કરી હતી. ઇન્ડિયા ઇન્ફોલાઈન કોમોડિટીઝ લિ.ના ક્લાયન્ટ રહી ચૂકેલા એક વેપારીએ પણ એક અલગ અરજી દાખલ કરી હતી.
માનનીય વિશેષ એમપીઆઇડી અદાલતે પુરાવાની નોંધ લઈને આ પ્રમાણેનો આદેશ આપ્યો હતોઃ “ઉપર જેમનો સંદર્ભ આપવામાં આવ્યો છે એ દસ્તાવેજોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેતાં પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય છે કે એમપીઆઇડી એક્ટની કલમ 3માં વૈધાનિક જોગવાઈ હોવા છતાં યોગ્ય કારણ આપ્યા વગર બ્રોકર કંપનીઓના મુખ્ય પ્રમોટર અને ડિરેક્ટરને સંબંધિત તપાસનીશ અધિકારીએ ચાર્જશીટમાંથી બહાર રાખ્યા છે, જ્યારે સમાન સ્થિતિમાં હોય એવી અન્ય વ્યક્તિઓને આરોપી ગણાવવામાં આવી છે.”
“ઉપર જેમનો સંદર્ભ આપવામાં આવ્યો છે એ સાક્ષીઓનાં નિવેદનો પરથી પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય છે કે બ્રોકરોએ ઉંચા વળતરની ખોટી રજૂઆત રોકાણકારો સમક્ષ કરીને એમને એનએસઈએલના મંચ પર ટ્રેડ કરવા માટે લલચાવ્યા હતા. આ અદાલતે પોતાની સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી વખતે 27 ડિસેમ્બર, 2018ના રોજ નોંધાવવામાં આવેલી ચાર્જશીટમાં ત્રણ બ્રોકરોએ રોકાણકારોને આપેલાં અલગ અલગ બ્રોશરો જોયાં હતાં. આ રીતે રોકાણકારોને ઉંચા વળતર, વગેરેની ખાતરી આપીને ટ્રેડ કરવા લલચાવાયા હતા એ બાબત અદાલતે જોઈ હતી.”
માનનીય એમપીઆઇડી અદાલતે પોતાનાં કારણોની નોંધ લઈને અને પુરાવા બાબતે પ્રથમ દૃષ્ટિએ પોતાને સંતોષ કરી લીધા બાદ એ ગુનાઓની દખલ લીધી હતી, જે ભારતીય દંડ સંહિતાની કલમો 409, 465, 467, 468, 471, 474, 477એ, 120બી (જેમને એમપીઆઇડી એક્ટ 1999ની કલમ 3 તથા એફસીઆર એક્ટ, 1952ની કલમો 21(એ), 21(બી), 21(સી) અને 21(જી) સાથે વાંચવામાં આવતાં) હેઠળ સજાપાત્ર બને છે. અદાલતે નીચે જણાવ્યા પ્રમાણેની કંપનીઓ (પ્રમોટરો) અને ડિરેક્ટરો વિરુદ્ધ ઉક્ત ગુનાઓ સબબ કાનૂની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતોઃ
નાણાકીય સંસ્થાઓની આરોપી પ્રમોટર કંપનીઓ
એ) આઇઆઇએફએલ ફાઇનાન્સ લિ. (જૂનું નામ આઇઆઇએફએલ)
બી) આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ.
નાણાકીય સંસ્થાઓના આરોપી ડિરેક્ટરો
એ) નિર્મલ જૈન
બી) પ્રીતિ ગુપ્તા
સી) રૂપકુમાર ભુતડા
ડી) શાઈની જ્યોર્જ
ઈ) મનીષ ગુપ્તા
ઉક્ત વ્યક્તિઓ/એન્ટિટીઝ હવે 2014ના એમપીઆઇડી કેસ નંબર 1માં અન્ય આરોપીઓના સ્તરે આવી ગઈ છે. એમણે હવે ખટલો શરૂ થશે ત્યારે તેનો સામનો કરવો પડશે. અત્યાર સુધીમાં એનએસઈએલ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 220 થઈ ગઈ છે. ઈઓડબ્લ્યુએ કેસમાં કુલ 11 ચાર્જશીટ નોંધાવી છે.
એનએસઈએલ કેસમાં હવે બ્રોકરો પર તવાઈ આવી છે. વિશેષ એમપીઆઇડી અદાલતમાં ચાલી રહેલા અન્ય એક કેસમાં મહારાષ્ટ્ર સરકારે નોંધાવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે આઇઆઇસીએલે 1653 ટ્રેડરો પાસેથી મોટી રકમ બ્રોકરેજ તથા ફી/ચાર્જીસ તરીકે વસૂલ કરવા ઉપરાંત કુલ 326.22 કરોડ રૂપિયાની ડિપોઝિટ ભેગી કરી હતી. આ જ સોગંદનામામાં સરકારે કહ્યું છે કે ડિપોઝિટર્સના હિત માટે આઇઆઇસીએલ, એના પ્રમોટરો અને ડિરેક્ટરોની મિલકતો જપ્ત કરવાની જરૂર છે.
ગયા વર્ષે સેબીએ પણ ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ લિ, આનંદ રાઠી કોમોડિટીઝ લિ, મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ લિ, જિયોજિત કોમટ્રેડ લિ. અને ફિલિપ કોમોડિટીઝ લિ.ને નોટ ફિટ એન્ડ પ્રોપર વ્યક્તિઓ ગણાવી હતી અને ઇન્ટરમીડિયરી તરીકે કામ કરવા માટે રજિસ્ટ્રેશન કરવા એમણે નોંધાવેલી અરજીઓને રદ કરી હતી.