નવી દિલ્હી: જાહેરક્ષેત્રની દૂરસંચાર કંપની મહાનગર ટેલીફોન નિગમ લિ. (MTNL)ની સ્વેચ્છિક સેવાનિવૃતિ યોજના (વીઆરએસ) માટે 13,500 કર્મચારીઓએ અરજી કરી છે. કંપનીએ વીઆરએસ યોજનાની જાહેરાત હાલમાં જ કરી હતી. આ પહેલા BSNLની વીઆરએસ યોજનાને પણ કર્મચારીઓની સારી પ્રતિક્રિયા મળી હતી. શરુઆતમાં એમટીએનએલનું અનુમાન હતુ કે, તેમના 13,500 કર્મચારી આ યોજનાનો વિકલ્પ પસંદ કરશે. પણ અત્યાર સુધીમાં 13,532 કર્મચારીઓ વીઆરએસ માટે અરજી કરી ચૂક્યા છે. હજુ આ યોજનાને બંધ થવામાં લગભગ બે સપ્તાહ જેટલો સમય બાકી છે.
એમટીએનએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક સુનીલ કુમારે પીટીઆઈને આપેલી માહિતીમાં જણાવ્યું કે, વીઆરએસ યોજનાને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કુમારે ભરોસો આપ્યો કે, આ યોજનામાં જેટલા શક્ય હશે એટલા કર્મચારીઓને સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, વીઆરએસ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 15000 જેટલા કર્મચારીઓ અરજી કરશે. કુલ મળીને કંપનીના 16300 કર્મચારીઓ વીઆરએસનો લાભ મેળવવા પાત્ર છે. તો બીએસએનએલની વીઆરએસ યોજનામાં અત્યાર સુધીમાં 77,000 કર્મચારીઓ અરજી કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, એમટીએનએલને છેલ્લા દસમાંથી નવ વર્ષમાં નુકસાન થયું છે. બીએસએનએલ એ પણ 2010થી નુકસાનીમાં ચાલી રહી છે. બંન્ને કંપનીઓ પર 40,000 કરોડ રૂપિયાનું દેવુ છે. જેમાંથી અડધુ માત્ર એમટીએનએલનું જ છે.