એવિએશનક્ષેત્રે વ્યૂહરચના ઘડવા ટાટાએ ટીમની રચના કરી

મુંબઈઃ મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી અગ્રણી એવા ટાટા જૂથમાં ટાટા સન્સ પ્રા. લિ.ના CFO સૌરભ અગ્રવાલના નેતૃત્વમાં વ્યૂહરચના માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં મર્જર, એકત્રીકરણ અને વિમાનોના રિબ્રાન્ડિંગ સહિતના વિકલ્પો પર વિચારણા કરશે. કંપની એવિએશન બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવવા માટે બજેટ એરલાઇન એરએશિયા ઇન્ડિયા અને કેરિયર વિસ્ટારા સાથેના વિલીનીકરણના વિકલ્પ પર વિચારવિમર્શ કરશે. ટાટા જૂથ એર ઇન્ડિયાને ખરીદવામાં ખાસ્સો રસ ધરાવતું હતું. કંપનીએ એ માટે બિડ પણ ભર્યું હતું. કંપનીએ હાલમાં જ એના મલેશિયન ભાગીદાર પાસેથી એર એશિયાના શેર ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કંપનીએ એરએશિયામાં હિસ્સો વધારીને 84 ટકા કર્યો હતો. ટાટાએ એરએશિયામાં હિસ્સો ખરીદવાનો નિર્ણય કેમ લીધો એ વિશે માર્ચ પછી વધુ સ્પષ્ટતા કરશે,એમ કંપનીએ જણાવ્યુ હતું.

મલેશિયન કંપની એરએશિયામાં લઘુમતી શેરહોલ્ડર તરીકે ચાલુ રહેવા દેવી કે નહીં, એ વિશેનો અંતિમ નિર્ણય એ કંપની પર નિર્ભર છે, કેમ કે જેથી બ્રાન્ડનો ઉપયોગ કરવા માટે રોયલ્ટી ચૂકવવાની જરૂર નહીં પડે, એમ કંપની નજીકના એક વ્યક્તિએ જણાવ્યું હતું.

ટાટા ગ્રુપ વિસ્ટારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે, બાકીનો હિસ્સો સિંગાપોર એરલાઇન્સ ધરાવે છે. વળી કંપનીને એરએશિયામાં શેર પર્ચેઝ એગ્રીમેન્ટ હેઠળ 100 ટકા હિસ્સો ખરીદવાનો વિકલ્પ છે.

જોકે વિસ્ટારા સાથે એરશએશિયા ના સંભવિત મર્જર કરવા માટે સિંગાપોર એરલાઇન્સની સંમતિ જરૂરી છે. તમામ સિનારિયોમાં ટાટાની ટીમ દરેક વિવિધ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે, એમ કંપની નજીકના સૂત્રએ કહ્યું હતું. ભારતીય એરલાઇન્સ ક્ષેત્રે એકત્રીકરણ જરૂરી છે, જેથી એવિએશન ક્ષેત્રમાં કંપનીઓની સંખ્યાં છથી ઘટીને બે-ત્રણ પર આવે એવી શક્યતા છે.