કાલે સાંજે ચાર વાગે ગુજરાતને ટકરાશે બિપરજોય

ચક્રવાત બિપરજોય ગુરુવારે સાજે ચારથી આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે માંડવી અને કરાચી વચ્ચે જખો પોર્ટ પાસે વાવાઝોડું આવે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 15-15 જૂને તમામ જનસેવા કેન્દ્રો બંધ રહેશે.

હવામાન વિભાગે 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. જોકે, આ પહેલા જ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની અનેક કામગીરીને અંજામ આપ્યો છે.

કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી ચક્રવાત ‘બિપરજોય’ના સંભવિત લેન્ડફોલ પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મંગળવાર સુધીમાં તોબડતોડ કામગીરી હાથ ધરીને દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જેવામાં આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીમાં 37,000ને પાર કરી ગયો હોવાનું સૂત્રો તરફથી કહેવાઇ રહ્યું છે. લોકોના સ્થળાંતર પર સરકારે અત્યાર સુધી સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 30થી વધારે ટીમો તૈયાર છે. આ સાથે સેનાના અધિકારીઓએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત ટીમોને તૈયાર રાખી છે.

વાવાઝોડાને પગલે તૈયારીઓની સમીક્ષા કરવા માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની વ્યવસ્થા કરવા અને પાવર, ટેલિકોમ, આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું. તે ઉપરાંત પીવાનું પાણી સહિતની આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે, જેમને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્રોએ લગભગ 30,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કર્યા છે.”

અમદાવાદના હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચક્રવાત 15 જૂનની સાંજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે કચ્છમાં જખૌ બંદર નજીકના માંડવી પર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાનના ભાગો. કરાચી વચ્ચે ક્રોસિંગની શક્યતા છે.

IMD દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

અમદાવાદના IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ચક્રવાતના આવ્યા પછી અને નબળું પડ્યા પછી તે ઉત્તરપૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.

બચાવ કામગીરી બે તબક્કામાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાની 5 થી 10 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

ચક્રવાતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 17 NDRF અને 12 SDRF ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરી છે, 32 ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન પહેલા જ રોકી દીધી છે અને 26 અન્ય ટ્રેનોને રિશેડ્યૂલ કરી છે.