બિહાર ચૂંટણી કેટલા તબક્કામાં, ક્યારે મતદાન થશે?: ચૂંટણી પંચ આજે કરશે એલાન

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ સાંજે ચાર વાગ્યે કરે એવી શક્યતા છે. ચૂંટણી પંચે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. બિહારમાં કુલ 243 વિધાનસભાની બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે છેલ્લા બે દિવસમાં બિહારનો પ્રવાસ કર્યો હતો અને તમામ રાજકીય પક્ષો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે.

બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે આ સમયમર્યાદા પહેલાં જ ચૂંટણી પૂર્ણ થઈ જશે. બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. બિહાર ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા કરવામાં આવી હતી, જેને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

બિહાર ચૂંટણીની ખાસ વાતો

    • CECએ રાજકીય પક્ષોને સૂચના આપી છે કે દરેક મતદાન કેન્દ્ર પર પોતાનો ઇલેકશન એજન્ટ નિયુક્ત કરે અને ફોર્મ 17C સુધી મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહે.
    • આ વખતે એક બૂથ પર મહત્તમ 1200 મતદારો રહેશે, જેથી મતદાન વધુ સુગમ બને.
    • મતદારોને મોબાઈલ ફોન રાખવાની મંજૂરી મળશે.
    • EVM પર મોટા અક્ષરોમાં ઉમેદવારનું નામ અને રંગીન તસવીર હશે.
    • ચૂંટણી દરમિયાન વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જ્યાં મતદારો અને ઉમેદવારોને ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ સ્થળે મળશે.
    • બૂથથી 100 મીટર સુધી ઉમેદવાર પોતાના એજન્ટને તૈનાત કરી શકશે.
    • બિહારના તમામ મતદાન કેન્દ્રો પર 100 ટકા વેબકાસ્ટિંગ થશે જેથી યોગ્ય દેખરેખ રાખી શકાય.
    • EVM પરનો સિરિયલ નંબર પણ મોટા અક્ષરોમાં દર્શાવવામાં આવશે.

NDAમાં બેઠકોની વહેંચણી પર બેઠક

ચૂંટણી પહેલાં NDA અને ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચાણી અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. રવિવારે BJP ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સાથે લલન સિંહ, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાએ બેઠક કરી હતી.રાજ્યમાં 243 બેઠકોમાંથી 203 બેઠક BJP અને JDU વચ્ચે વહેંચાશે, જ્યારે બાકી 40 બેઠકો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા, જીતન રામ માંઝીની “હમ” અને ચિરાગ પાસવાનની પાર્ટી વચ્ચે વહેંચાશે.